કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

Video : આસારામ બાપુ યૌન શોષણ કેસના મુખ્ય સાક્ષીની હત્યાનો આરોપી ઝડપાયો

  • રાજકોટમાં વર્ષ 2014માં અમૃત પ્રજાપતિની થઈ હતી હત્યા
  • આરોપી કિશોર બોડકેને કર્ણાટકથી દબોચી લેતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ, 10 જાન્યુઆરી : આસારામ બાપુ યૌન શોષણ કેસમાં અગાઉ વર્ષ 2014માં કેસના મુખ્ય સાક્ષી એવા રાજકોટના અમૃત પ્રજાપતિની હત્યા થવાના કેસના આરોપીની રાજકોટ ક્રાઈમબ્રાન્ચ દ્વારા કર્ણાટકથી ધરપકડ કરી લેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આસારામ બાપુના ભૂતપૂર્વ અનુયાયી અને આસારામ બાપુની કાળી કરતુતોનો પર્દાફાશ કરનાર રાજકોટના અમૃત પ્રજાપતિની વર્ષ 2014ની 23મેંના રોજ સંતકબીર રોડ ઉપર તેમની દુકાનમાં જ ગોળી ધરબી હત્યા નીપજાવી દેવામાં આવી હતી. અમૃત પ્રજાપતિ અગાઉ આસારામ બાપુના જ અનુયાયી હતા. તેઓ આસારામ બાપુના અમદાવાદ આશ્રમના પ્રમુખ વૈદ્ય હતા.

દરમિયાન આસારામ બાપુની કાળી કરતુતો અંગે જાણ થતાં અમૃત પ્રજાપતિએ આશ્રમ છોડી દીધો હતો અને આશારામની લંપટ લીલાઓનો પર્દાફાશ કર્યો હતો. જે બાદ તેઓ રાજકોટ ખાતે સંત કબીર રોડ સ્થિત શાંતિ આયુર્વેદિક હોસ્પિટલમાં દર બીજા અને ચોથા શુક્રવારે દર્દીઓને જોવા આવતા હતા. 23 મેં, 2014ના રોજ બપોરે એક વાગ્યાંના અરસામાં એક રાજુ નામનો શખ્સ દર્દી તરીકે આવ્યો હતો અને અમૃત પ્રજાપતિ પાસેથી તેમની બીમારીની દવા લીધી હતી. જે બાદ અમૃત પ્રજાપતિ જમવા માટે બહાર જઈ રહ્યા હતા તે દરમિયાન આ શખ્સે પેન્ટમાં છુપાવેલ રિવોલ્વર કાઢી ગોળીબાર શરૂ કરી દીધો હતો અને ફાયરિંગ કર્યા બાદ નાસી ગયો હતો.

ફાયરિંગના કારણે અમૃત પ્રજાપતિને ગળા અને મોઢાના ભાગે ગોળીઓ વાગતા તેઓ લોહીથી લથપથ ત્યાં જ ઢળી પડ્યા હતા. જે બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઓપરેશન બાદ તેઓ ભાનમાં આવતા આશારામના અનુયાયીઓના નામો આપ્યા હતા. જે બાદ સારવારના 20માં દિવસે અમૃત પ્રજાપતિનું મોત નીપજ્યું હતું. જે મામલે પોલીસે ઘટનાસ્થળેથી બે હથિયાર અને 10 કાર્ટિસ કબ્જે કર્યા હતા.

રાજકોટમાં દસ વર્ષ પૂર્વે બનેલી હત્યાની બહુચર્ચિત હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા અને ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શનમાં પીઆઈ એમ આર ગોંડલીયા અને પીઆઈ એમ એલ ડામોરની ટીમો ચકચારી હત્યા કેસના ફરાર આરોપીઓને શોધી કાઢવા ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર દરમિયાન ટેક્નિકલ અને હ્યુમન રિસોર્સની મદદથી એક આરોપી કર્ણાટક તરફ હોવાનું જાણવા મળતા જ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ કર્ણાટક તરફ દોડી ગઈ હતી. જ્યાં એક આશ્રમમાં સતત વોચ રાખીને આરોપીની ઓળખ મેળવી ભારે જહેમત ઉઠાવીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કિશોર બાલકૃષ્ણ બોડકે નામના મૂળ મહારાષ્ટ્રના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :- 35 વર્ષથી હોમગાર્ડમાં નોકરી કરતો લૂંટ-હત્યાનો આરોપી, પકડાયો ત્યારે પોલીસ પણ ચોંકી, જૂઓ ક્યાંની છે ઘટના

Back to top button