અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગયુટિલીટી

ચાઇનીઝ દોરી કે તુક્કલના વેચાણની માહિતી મળે તો તરત જ આ નંબર કરો ડાયલ

અમદાવાદ, તા.10 જાન્યુઆરી, 2025: ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. સરકાર દ્વારા ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતાં ઘણી જગ્યાએ આનુ વેચાણ થઈ રહ્યું છે.  ગુજરાત પોલીસે તેના સોશિયલ મીડિયા એક્સ પર આપેલી માહિતી મુજબ, ચાઈનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે અને સજાપાત્ર ગુનો બને છે. રાજ્યમાં આવી જોખમયુક્ત વસ્તુઓનું ઉત્પાદન,સંગ્રહ,વેચાણ. ઉપયોગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જો તમને ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ કે ઉપયોગની માહિતી મળે તો 100 કે 112 નંબર ડાયલ કરી શકો છો. તેમજ નજીકના પોલીસ સ્ટેશન જઈને માહિતી આપી શકો છો.

અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર શરદ સિંઘલ દ્વારા બહાર પાડવામાં આવેલાં જાહેરનામા અનુસાર, શહેરમાં ઉત્તરાયણના તહેવારના અનુસંધાને તારીખ 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2025 સુધી કોઈપણ વ્યક્તિ જાહેરમાર્ગ ઉપર અન્ય વ્યક્તિને ઈજા થાય અથવા ભય પમાડે તે રીતે પતંગ ઉડાડી શકશે નહીં. આ સિવાય જાહેર માર્ગ ઉપર દોડીને પતંગ પકડવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જે પણ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવશે તેની કડક કાર્યવાહી કરવામાં આવશે.

માત્ર ચાઇનીઝ જ નહીં કાચવાળો પાઉડર ચઢાવીને વેચાતી દોરી પર પણ પ્રતિબંધ

ગુજરાત હાઈકોર્ટે ચાઈનીઝ દોરી કેસમાં સુનાવણી વખતે કહ્યું કે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી જ નહીં પણ કાચવાળો પાઉડર ચઢાવીને વેચાતી દોરી ઉપર પણ પ્રતિબંધ જ છે. ઉલ્લેખનીય છે કે કોટનની દોરીને કાચના પાઉડરથી તૈયાર કરેલી લુગદી દ્વારા રંગ ચઢાવવામાં આવે છે અને ધારદાર બનાવવામાં આવે છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે સરકારી તંત્રને કડક શબ્દોમાં કહ્યું છે કે આ મામલે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ પોલીસ દ્વારા કાચ પાઉડર દ્વારા રંગાયેલી દોરીના ઉત્પાદન, ખરીદ-વેચાણ તથા ઉપયોગ સામે પણ કડક કાર્યવાહી કરી શકે છે.

સરકારે સોગંદનામામાં જણાવ્યા મુજબ, ઉત્તરાયણ 2025ના તહેવારને લઇ ચાઇનીઝ, નાયલોન કે પ્લાસ્ટીક કોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગને લઇ ગૃહવિભાગ દ્વારા જરૂરી જાહેરનામું પણ 24 ડિસેમ્બરના 2024ના રોજ જારી કરી દેવાયું હતું અને તેના અનુસંધાનમાં રાજયના તમામ જિલ્લા-તાલુકા કક્ષાએ પોલીસ દ્વારા પણ જરૂરી પરિપત્ર જારી કરી તેની અમલવારી શરૂ કરી દેવાઇ છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનથી થઈ મોટી ભૂલ, સમગ્ર વિશ્વએ ભોગવવું પડી શકે છે ભયંકર પરિણામ

Back to top button