પ્રયાગરાજમાં મહાકુંભ બાદ આગામી કુંભ મેળો ક્યાં અને ક્યારે ભરાશે?
- 30-45 દિવસ સુધી ચાલતો કુંભ મેળો હિન્દુ સમુદાય માટે ખૂબ જ ખાસ અને પવિત્ર છે. જાણો 2025માં મહાકુંભ પછી આગામી કુંભ ક્યારે અને ક્યાં યોજાશે
HD ન્યુઝ ડેસ્કઃ કુંભ મેળાને દેશ-દુનિયાનો સૌથી મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક અને ધાર્મિક મેળો માનવામાં આવે છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત પોષ પૂર્ણિમા એટલે કે 13 જાન્યુઆરી 2025થી થશે. મહાકુંભ પ્રયાગરાજ શહેરમાં ગંગા, યમુના અને સુપ્રસિદ્ધ સરસ્વતી નદીના સંગમ સ્થાન ત્રિવેણી સંગમ ખાતે યોજાય છે. મહાકુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે થાય છે. ખાસ વાત એ છે કે મહાકુંભ પ્રયાગરાજમાં જ યોજાય છે. એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી વ્યક્તિને તમામ પાપમાંથી મુક્તિ મળે છે અને તમામ સુખ ભોગવ્યા બાદ અંતે તેને મોક્ષ મળે છે. 30-45 દિવસ સુધી ચાલતો કુંભ મેળો હિન્દુ સમુદાય માટે ખૂબ જ ખાસ અને પવિત્ર છે. જાણો 2025માં મહાકુંભ પછી આગામી કુંભ ક્યારે અને ક્યાં યોજાશે.
આગામી કુંભ ક્યારે અને ક્યાં યોજાશે?
12 વર્ષ બાદ વર્ષ 2028માં ઉજ્જૈનમાં 27 માર્ચથી 27 મે સુધી સિંહસ્થ મહાપર્વનું આયોજન કરવામાં આવશે. આ મહાપર્વમાં 09 એપ્રિલથી 08 મે સુધીમાં 3 શાહી સ્નાન અને 7 પર્વ સ્નાન છે. ઉજ્જૈનમાં કુંભ મેળાનું આયોજન શિપ્રા નદીના કિનારે થાય છે. આ કુંભમાં 14 કરોડ શ્રદ્ધાળુઓ ભાગ લેવાનો અંદાજ છે. અગાઉ 2016માં મધ્યપ્રદેશમાં સિંહસ્થ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉજ્જૈનમાં કુંભ મેળો ક્યારે યોજાય છે?
ઉજ્જૈનમાં યોજાતા કુંભને સિંહસ્થ કુંભ કહેવામાં આવે છે. જ્યારે ગુરુ સિંહ રાશિમાં હોય અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે ઉજ્જૈનમાં મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.
મહાકુંભ 2025 શાહી સ્નાનની તારીખો
મહાકુંભ 2025માં પ્રથમ શાહી સ્નાન 13 જાન્યુઆરી 2025 ના રોજ પોષ પૂર્ણિમાના રોજ થશે. 14 જાન્યુઆરી 2025ના રોજ મકરસંક્રાંતિના રોજ શાહી સ્નાન થશે , ત્રીજું સ્નાન 29 જાન્યુઆરી 2025ના રોજ મૌની અમાવસ્યાના રોજ થશે. ચોથું શાહી સ્નાન 2 ફેબ્રુઆરી 2025ના રોજ વસંત પંચમીના રોજ થશે, પાંચમું શાહી સ્નાન 12 ફેબ્રુઆરી 2025ના રોજ મહા પૂર્ણિમાના રોજ થશે અને છેલ્લું શાહી સ્નાન 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રીના રોજ થશે.
આ પણ વાંચોઃ સ્ટારબક્સના લોગોમાં જલપરી કેમ છે? આ છે તેનું રસપ્રદ કારણ
આ પણ વાંચોઃ મકરસંક્રાંતિ પર કરો આ પૂજા, જાણો દાન અને સ્નાનનો પુણ્યકાળ અને મહાપુણ્યકાળ