વડોદરાના યુવકે ચશ્મામાં લાગેલા ખુફિયા કેમેરાથી રામ મંદિરમાં ફોટો પાડ્યો, સુરક્ષાકર્મીઓએ કરી ધરપકડ
અયોધ્યા, ૮ જાન્યુઆરી, 2025 : અયોધ્યાના રામ મંદિર પરિસરમાં એક યુવક પોતાના ચશ્મામાં લગાવેલા ગુપ્ત કેમેરાથી તસ્વીરો લેતો ઝડપાયો છે. યુવકની ધરપકડ કરવામાં આવી છે. હજુ સુધી પૂછપરછ દરમિયાન તેની પાસેથી કોઈ ગુનાઈત ઈતિહાસ મળી આવ્યો નથી. યુવક વડોદરાનો વેપારી છે અને ચશ્માની કિંમત ₹50 હજાર હોવાનું કહેવાય છે.
અયોધ્યાના રામ મંદિરની સુરક્ષા ભંગનો મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવક પોતાના ચશ્મામાં લગાવેલા કેમેરામાં છાનામાના અંદરની તસવીરો કેદ કરી રહ્યો હતો. તેણે તમામ સુરક્ષા બેરિયર પાર કરી અંદર પ્રવેશ મેળવી લીધો હતો. જેવી એક સુરક્ષાકર્મીની નજર તેની ઉપર પડી, તુરંત તેની અટકાયત કરી લેવામાં આવી હતી. ગુપ્તચર એજન્સીઓ આરોપી યુવકની પૂછપરછ કરી રહી છે. રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં ગરબડના સમાચાર ફેલાતા જ ખળભળાટ મચી ગયો છે.
અધિકારીઓએ જણાવ્યું કે આરોપી સુરક્ષા કારણોસર મંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરી રહ્યો હતો. ગુજરાતના વડોદરાના જાની જયકુમાર તરીકે ઓળખાયેલા આ વ્યક્તિએ રામ જન્મભૂમિ પથ પર અનેક ચેકપોસ્ટ ઓળંગી હતી અને સોમવારે મંદિર સંકુલના સિંહદ્વાર પાસે પહોંચ્યો હતો. તે કેમેરા લગાવેલા ચશ્મા સાથે ફોટોગ્રાફ લેતો જોવા મળ્યો હતો, જ્યારે કેમેરાની લાઈટ ઝબકી ત્યારે સુરક્ષાકર્મીઓનું ધ્યાન તેની તરફ ગયું હતું.
મંદિરમાં પહોંચતાં જ તે પરિસરમાં ફોટો ક્લિક કરવા લાગ્યો. તેણે જે ચશ્મા પહેર્યા હતા, તેની ફ્રેમની બંને કિનારીએ કેમેરા લગાવેલા હતા. જેનાથી ખૂબ જ સરળતાથી ફોટો ક્લિક કરી શકાય. ફોટો ક્લિક કરવા માટે બટન દબાવતાં જ ચશ્મામાં લાઇટ થતી હતી. આ દરમિયાન એએએફના વૉચર અનુરાગ બાજપેયીની નજર જયકુમાર પર પડી. તેણે પોલીસને આ વિશે જાણ કરી. ત્યારબાદ જાણ થઈ કે, યુવક છાનામાના ચશ્મામાં લાગેલા કેમેરાથી ફોટો ક્લિક કરી રહ્યો હતો.
આ પણ વાંચો..સાઉથ સ્ટાર અજીત કુમારનો દુબઈમાં અકસ્માત, રેસિંગ ટ્રેક પર 180ની સ્પીડથી કાર બેરિયર સાથે અથડાઈ, જુઓ વીડિયો