આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યા પર ફરજ બજાવતા કર્મચારી, અધિકારીઓની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઇને આગામી સમયમાં જે અધિકારીઓને એક જ જગ્યા પર ત્રણ વર્ષ થી વધુ સમય થયો હોય તેમની બદલીઓ નિશ્ચિત બની છે. વિધાનસભા ચૂંટણી નેજ અનુલક્ષીને મંગળવારે મોડી રાત્રે 23 ડીવાયએસપીની ટ્રાન્સફર જાહેર કરાઇ છે.
ગુજરાત વિધાનસભાની ચાલુ વર્ષે યોજાનાર સામાન્ય ચૂંટણીઓને લઇને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે આગોતરી વ્યવસ્થાના ભાગરૂપે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા સાથે સીધી કે આડકતરીરીતે સંકળાયેલા હોય તેમજ ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવનાર અધિકારી- કર્મચારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:અમદાવાદ-બોટાદ SPની ખાલી પડેલી જગ્યા ઉપર અમિત વસાવા અને કિશોર બાલોડીયા મુકાયા
તમામ રાજ્યોના મુખ્ય સચિવને ચૂંટણી કમિશનર દ્વારા તાકીદ કરવામાં આવી છે કે ત્રણ વર્ષથી વધુ સમય એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓને બદલવામાં આવે. આ સાથે વતનના જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા અધિકારી-કર્મચારીઓને પણ બદલવામાં આવશે. બદલી દરમિયાન પણ કોઇ કર્મચારીને તેના વતનના જિલ્લામાં નિમણૂંક ન અપાય તેની તકેદારી રાખવા જણાવાયું છે.