રાજકોટમાં મહિલા પોલીસકર્મી રૂ.1 હજારની લાંચ લેતા ઝડપાયા
રાજકોટ, 6 જાન્યુઆરી : રાજકોટમાં મહિલા પોલીસકર્મીને એસીબીની ટીમે રૂ.1 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે. મહિલા પોલીસકર્મીએ ખોવાયેલો મોબાઈલ પરત આપવા માટે લાંચ માંગી હતી તે રકમ લેતાં તેઓ પોલીસ મથકેથી જ ઝડપાઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, આ કામના ફરીયાદીનો મોબાઇલ ફોન ખોવાય જતા ફરીયાદી દ્વારા ગાંધીગ્રામ-ર, યુનિવર્સીટી પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં તે બાબતેની અરજી કરેલ હતી. તે દરમ્યાન ફરીયાદીનો ખોવાઇ ગયેલ મોબાઇલ ફોન મળી જતા ફરીયાદી આ કામના આરોપી મહિલા કોન્સ્ટેબલ અનીતાબેન ઈશ્વરભાઈ વાઘેલા પાસે પોતાનો મળી ગયેલો મોબાઈલ પરત લેવા ગયા હતા.
દરમિયાન અનીતાબેન ઈશ્વરભાઈ વાઘેલાએ મોબાઇલ ફોન પરત આપવાના અવેજ પેટે રૂા.૧,૦૦૦/- ની લાંચની રકમની માંગણી કરી, રૂા.૧,૦૦૦/- મોબાઇલ ફોન લેવા આવે ત્યારે આપી જવાનું જણાવેલ હતું. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીની ફરીયાદના આધારે પી.એ.દેકાવાડીયા, પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. પો.સ્ટે.રાજકોટ શહેર દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું.
દરમિયાન પોલીસ મથકના સાયબર વિભાગમાંથી ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી અનીતાબેન ઈશ્વરભાઈ વાઘેલા ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૧,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની રકમ માંગી, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુંક આચરી સ્થળ ઉપરથી પકડાઇ ગયા હતા.
આ પણ વાંચો :- Big Breaking : કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ આપ્યું રાજીનામું