ધન્ય ધન્ય આ ધરાગુર્જરીઃપાટણમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીની નિહાળો કેટલીક તસવીરો
1લી મે, 1960ના રોજ બૃહદ મુંબઇમાંથી બે રાજ્યની રચના કરવામાં આવી હતી. મરાઠી અને ગુજરાતી ભાષાના આધાર પર બનેલા મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યનો 62મો સ્થાપના દિવસ (Gujarat Gaurav Divas 2022) ઉજવાઇ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં પાટણ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ₹369 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત, આજના વિશેષ દિવસની ભેટ સ્વરૂપે પાટણ જિલ્લામાં ₹140.68 કરોડના અન્ય વિકાસ કાર્યોની જાહેરાત પણ કરી હતી.
ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે પાટણ ખાતે રિજીયોનાલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ અત્યાધુનિક વિજ્ઞાન કેન્દ્ર પાટણની ઓળખ બનશે તથા પાટણ સહિત ઉત્તર ગુજરાતના વિજ્ઞાનમાં રસ ધરાવતા યુવાનોને અત્યંત ઉપયોગી નીવડશે.
34,000 ચો.મી. ક્ષેત્રફળમાં ફેલાયેલા ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’માં આવેલ ગેલેરીઓ પાટણ જીલ્લાની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેમાં લેન્ડ ઓફ ડાયનાસોર ગેલેરી, હાઇડ્રોપોનિક્સ ગેલેરી, નોબેલ પ્રાઈઝ ગેલેરી, કેમેસ્ટ્રી, ઓપ્ટિક્સ ગેલેરી, હ્યુમન સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ ખાતે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી દરમ્યાન નાગરિકો વિવિધ શસ્ત્રોથી અવગત થાય તેમજ રાષ્ટ્રભાવના વિકસે તે હેતુથી આયોજીત શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. અને નિદર્શનમાં મુકેલ શસ્ત્રોનું રસપૂર્વક નિરીક્ષણ કરી સૈન્યના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.
પાટણના પ્રગતિ મેદાનમાં આયોજિત ‘હસ્તકલા હાટ’ને ખુલ્લું મૂક્યું. સખીમંડળની બહેનોના વિવિધ સ્ટોલ્સની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મુલાકાત લઈ હાથશાળ, હસ્તકલા, ભરતકામ, મોતીકામ અને સુશોભનની ચીજવસ્તુઓ નિહાળી. આ સુંદર કલાને દુનિયાભરમાં ઉજાગર કરવા “વોકલ ફોર લોકલ”નું સૂત્ર આપણે સૌએ અપનાવવાની જરૂર છે.
ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સંદેશ
આઝાદીના અમૃતકાળમાં આપણું ગુજરાત સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસના નવા સીમાચિન્હો સર કરે અને ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવામાં ગુજરાત શિરમોર યોગદાન આપે તે માટે, આવો આજે આપણે સૌ ગુજરાત ગૌરવ દિવસના અવસરે સંકલ્પબદ્ધ થઈએ.