રાજ્યના તમામ મદદનીશ સરકારી વકીલો માટે એક દિવસીય તાલીમનું આયોજન કરાયું
- ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે તાલીમ કાર્યક્રમ કાયદા મંત્રી ઋષિકેશ પટેલે કરાવ્યો શુભારંભ
ગાંધીનગર, 5 જાન્યુઆરી : ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે રાજ્યના તમામ મદદનીશ સરકારી વકીલો (આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ) માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાયદા વિભાગ અને ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન કચેરી દ્વારા આયોજિત આ તાલીમ કાર્યક્રમનો કાયદા મંત્રી ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો હતો.
ગુજરાતના મદદનીશ સરકારી વકીલોનો ઉત્સાહ વધારતા કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વકીલનું પ્રોફેશન એ સમાજનું એક અમૂલ્ય ઘરેણું છે, જે નિર્દોષને ન્યાય અને દોષીને યોગ્ય સજા અપાવીને એક સુરક્ષિત સમાજનું નિર્માણ કરે છે. ગુજરાતના નાગરિકોનો લોકશાહી અને ન્યાય પ્રણાલી પર વિશ્વાસ વધુ દ્રઢ બને તે માટે એક નવતર પ્રયાસના ભાગરૂપે ગુજરાત હાઈકોર્ટમાં થતા ટ્રાયલ કે સુનાવણીને ટેકનોલોજીના માધ્યમથી લાઈવ અને પારદર્શી બનાવવામાં આવી છે. આગામી સમયમાં ગુજરાતની તમામ જિલ્લા કોર્ટમાં પણ ટેકનોલોજીના સુયોગ્ય ઉપયોગથી આ પ્રકારની સુવિધાઓ વિકસાવવામાં આવશે.
મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાચીન સમયમાં ભારતના નાગરિકોમાં કાયદો આત્મસાત હતો. બ્રિટીશરો ભારતમાં આવ્યા બાદ તેમણે તેમની અનુકુળતા મુજબના ફોજદારી કાયદાઓ અમલમાં મૂક્યા હતા. ભારતની આઝાદીના ૭૫ વર્ષ સુધી આ કાયદાઓ અમલમાં રહ્યા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના દિશાનિર્દેશ હેઠળ ભારતમાં લોકશાહીના રક્ષણ માટે આ કાયદામાં કેટલાક આમોલ પરિવર્તન કરાયા અને નવા નામ સાથે ભારતના આગવા નવા ત્રણ – ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-૨૦૨૩ કાયદા અમલમાં મૂકાયા છે.
આજની તાલીમથી તમામ મદદનીશ સરકારી વકીલોને આ ત્રણ નવા ફોજદારી કાયદા અંગે વિગતવાર માહિતી મળશે, જેથી અદાલતમાં ઝડપથી કેસ કેવી રીતે ચાલે તે માટે તૈયાર થઇ શકાશે. કાયદાની સુધરતી જોગવાઇઓ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓથી સરકારી વકીલો સતત માહિતગાર થતા રહે તે માટે આ પ્રકારના આયોજન સતત કરતા રહેવા માટે મંત્રીશ્રીએ કાયદા વિભાગને અનુરોધ કર્યો હતો.
ગુજરાતમાં ન્યાયનું ધોરણ ઉંચું લાવવા માટે કાયદા મંત્રી ઋષિકેશ પટેલે આજના આધુનિક જમાનામાં સરકારી વકીલોને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા, તમામ બાબતોમાં અપ-ટુ-ડેટ રહેવા તેમજ રાજ્યમાં કન્વિક્શન રેટનો રેશિયો ઉંચો લઇ જવા માટે તત્પરતા બતાવવા માટે તાકીદ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન કાયદા મંત્રીના હસ્તે મદદનીશ સરકારી વકીલોને ટેકનોલોજીથી સુસજ્જ કરીને ન્યાયિક પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા માટે લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન એ.આર.પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કરીને આ એક દિવસીય તાલીમનો હેતુ અને મહત્વ સ્પષ્ટ કર્યો હતો. સાથે જ તેમણે રાજ્યના વિવિધ જિલ્લાઓ ખાતે યોજાઈ રહેલા તાલીમો અંગે પણ વિગતવાર માહિતી આપી હતી. જ્યારે, કાયદા વિભાગના ઇન્ચાર્જ સચિવ ઉપેન્દ્ર ભટ્ટે કાર્યક્રમના અંતે આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતના નેશનલ લો યુનિવર્સિટીના ડીરેક્ટર ડૉ. એસ. શાંતાકુમાર, કાયદા વિભાગના અને ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન કચેરીના અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં મદદનીશ સરકારી વકીલો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :- કાલકાજીના રસ્તા પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવશું, BJP ઉમેદવારના વિવાદાસ્પદ નિવેદનથી કોંગ્રેસ ભડકી