સિડની ટેસ્ટ હાર્યા બાદ કેપ્ટન બુમરાહે શું કહ્યું? બોલિંગ નહીં કરવા પર આપ્યું મોટું નિવેદન
- સિડની ટેસ્ટમાં હાર સાથે ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું
નવી દિલ્હી, 5 જાન્યુઆરી: ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ આજે રવિવારે કારમી હાર સાથે સમાપ્ત થયો છે. લગભગ 2 મહિના સુધી રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 શ્રેણીમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 1-3થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. પર્થ ટેસ્ટને બાદ કરતાં આ સમગ્ર શ્રેણીમાં ભારતીય બેટિંગ ખરાબ રીતે નિષ્ફળ રહી છે. બોલિંગમાં પણ જસપ્રીત બુમરાહ એકમાત્ર એવો બોલર હતો જેણે પોતાના શાનદાર પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને ડરાવ્યા હતા. જો કે બુમરાહ એકલા હાથે ટીમ ઈન્ડિયાને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો, તેમ છતાં તેણે આ 5 મેચની શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેવાનું એક મહાન પરાક્રમ કર્યું. તે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ 32 વિકેટ લેનારો ભારતીય બોલર બન્યો હતો. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
સિડની ટેસ્ટમાં પહેલા બે દિવસ ક્લોઝ ટક્કર જોવા મળી હતી પરંતુ ત્યારબાદ જસપ્રીત બુમરાહના મેચમાંથી બહાર રહેવાના કારણે ટીમ ઈન્ડિયાની બોલિંગ નબળી પડી ગઈ હતી. બુમરાહને સ્કેન માટે હોસ્પિટલમાં જવું પડ્યું. આ પછી તે ત્રીજા દિવસે બોલિંગ કરી શક્યો નહોતો. ટીમ ઈન્ડિયાને તેનું પરિણામ હારના રૂપમાં ભોગવવું પડ્યું હતું. આ હારથી કેપ્ટન બુમરાહ ઘણો નિરાશ છે.
કેપ્ટન જસપ્રિત બૂમરાહનું દર્દ છલકાયું
BGT હારવા પર જસપ્રીત બુમરાહે કહ્યું કે, આવી વિકેટ પર બોલિંગ ન કરી શકવી એ નિરાશાજનક છે. અમારી ટીમમાં એક બોલર ઓછો હતો અને અન્ય બોલરોએ વધારાની જવાબદારી લેવાની હતી અને અમારી ચર્ચા આની આસપાસ જ હતી. તેણે કહ્યું કે, ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં રમતમાં હતી, એવું નથી થયું કે અમે એકતરફી મેચ હારી ગયા. આ શ્રેણીમાંથી આપણે ઘણું શીખવાનું છે. ટેસ્ટ ક્રિકેટમાં તમારે પરિસ્થિતિ અનુસાર રમવાનું હોય છે અને આ બધું ભવિષ્યમાં અમને ઉપયોગી થશે. બુમરાહે વધુમાં કહ્યું કે, ટીમમાં ઘણી પ્રતિભા છે અને યુવા ખેલાડીઓ ઉત્સાહથી ભરેલા છે, આ પ્રવાસમાંથી તેમને ઘણું શીખવા મળ્યું છે. આ ખૂબ જ સારી શ્રેણી રહી, ઓસ્ટ્રેલિયાને અભિનંદન, તેઓ આ જીતના હકદાર છે.
ઈજા અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી
જસપ્રીત બુમરાહે શ્રેણી ગુમાવવા અંગે નિરાશા વ્યક્ત કરી હતી પરંતુ તેની ઈજા અંગે કોઈ અપડેટ આપી ન હતી. તેને ત્રીજા દિવસે બોલિંગ ન કરી શકવાનો અફસોસ હતો. તેણે કહ્યું કે, તે થોડું નિરાશાજનક છે પરંતુ કેટલીકવાર તમારે તમારા શરીરનું સન્માન કરવું જોઈએ. તમે તમારા શરીર સાથે લડી શકતા નથી. નિરાશાજનક, કદાચ શ્રેણીની શ્રેષ્ઠ વિકેટ પર બોલિંગ ચૂકી. લાંબા સમય સુધી રમતમાં રહેવું, દબાણ લાગુ કરવું, દબાણને હેન્ડલ કરવું અને પરિસ્થિતિ અનુસાર રમવું એ બધું જ મહત્ત્વપૂર્ણ છે. તમારે સંજોગોને અનુરૂપ થવું પડશે અને આ પાઠ ભવિષ્યમાં અમને મદદ કરશે.
આ પણ જૂઓ: સિડની ટેસ્ટ : હાર બાદ રોહિત અને કોહલીની નિવૃત્તિ અંગે કોચ ગંભીરનું પ્રથમ નિવેદન, જૂઓ Video