અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના શહીદ સંત ‘વીર મેઘમાયા’ પર સ્મારક ડાક ટિકિટ બહાર પાડવામાં આવી

અમદાવાદ, તા. 1 જાન્યુઆરી, 2025: ભારતીય ડાક વિભાગ દ્વારા ગુજરાતના શહીદ સંત ‘વીર મેઘમાયા’ પર એક સ્મારક ડાક ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ‘વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર’ના ચેરમેન અને પૂર્વ સાંસદ ડૉ. કિરીટ સોલંકી તેમજ નિદેશક ડાક સેવા સુશ્રી મીતા બેન સાથે આ ડાક ટિકિટ 31 ડિસેમ્બર, 2024ના રોજ અમદાવાદના ક્ષેત્રીય કાર્યાલયમાં જાહેર કરી હતી. આ 5 રૂપિયાની ડાક ટિકિટ અને તેના સાથે જ જાહેર થયેલ પ્રથમ દિવસ આવરણ અને માહિતીપત્ર દેશભરના ડાકઘરોમાં આવેલા ફિલેટેલિક બ્યુરોમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. તેમજ, ઈ-પોસ્ટ ઓફિસ દ્વારા આ ટિકિટ ઓનલાઈન પણ મંગાવી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે, ભારતનો ઐતિહાસિક વારસો સંતોની કથાઓથી સમૃદ્ધ છે. ગુજરાતમાં ધોળકા નજીક રનોડા ગામના એક દલિત વણકર પરિવારમાં લગભગ 1000 વર્ષ પૂર્વે જન્મેલા વીર મેઘમાયાએ જનકલ્યાણ માટે પોતાનું જીવન બલિદાન કર્યું હતું. તેઓ બત્રીસ ગુણોથી સમૃદ્ધ હતા. ગુજરાતની તે સમયેની રાજધાની અન્હીલપુર પાટણમાં સહસ્ત્રલિંગ સરોવરમાં પાણી લાવવા માટે આપેલુ તેમનું સ્વબલિદાન આજે પણ ત્યાગનું એક નવું ઉદાહરણ પૂરું પાડે છે. આ બલિદાનને માનવાધિકારોની સ્થાપના અને દલિત તથા વંચિત વર્ગોના ઉત્થાન માટે કરવામાં આવેલ બલિદાન તરીકે યાદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, ડાક વિભાગ વીર મેઘમાયા પર સ્મારક ડાક ટિકિટ જાહેર કરતા આનંદ અનુભવે છે અને દલિતો તથા વંચિત વર્ગોના કલ્યાણ માટે તેમના બલિદાનને નમન કરે છે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કહ્યું કે ડાક ટિકિટો ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે. ડાક ટિકિટ ખરેખર એક નાનો રાજદૂત છે, જે વિવિધ દેશોનો પ્રવાસ કરે છે અને તેમને તેમની સભ્યતા, સંસ્કૃતિ અને વારસાથી પરિચિત કરાવે છે. દરેક ડાક ટિકિટની પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે અને અને આજની યુવા પેઢીને આ વાર્તા સાથે જોડવાની જરૂર છે.

આ અવસરે, પૂર્વ સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ જણાવ્યું કે, સંત વીર મેઘમાયાનું જીવન જનકલ્યાણ, સામાજિક ન્યાય અને સામાજિક સમરસતાનું પ્રતીક છે. શાહૂ મહારાજ, મહાત્મા જ્યોતિબા ફુલે, ડૉ. આંબેડકરના સમયકાળથી ઘણાં 1000 વર્ષો પહેલાં વીર મેઘમાયાએ સમાજમાં અસ્પૃશ્યતા ખતમ કરવા માટે પહેલ કરી હતી. તેમના પર ડાક ટિકિટ જાહેર થવાથી દેશ-વિદેશમાં તેમના બલિદાન અને જનકલ્યાણ વિશે માહિતી મળશે અને સાથે જ નવી આશાનું સંચાર થશે. આધુનિક સમયમાં, દલિત, વંચિત અને નબળા વર્ગના લોકો વીર મેઘમાયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પાટણમાં તેમના બલિદાન સ્થાનની મુલાકાત લે છે. સંત વીર મેઘમાયા પર ડાક ટિકિટ જાહેર થવાથી તેમની પ્રસિદ્ધિ વધુ વધશે અને યુવા પેઢી તેમના બલિદાન વિશે જાણવા માટે પ્રેરિત થશે.

ડૉ.કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે, સાંસદ તરીકે તેમણે પહેલ કરી હતી અને સંત વીર મેઘમાયા પર ટપાલ ટિકિટ બહાર પાડવા માટે ભારત સરકારને દરખાસ્ત મોકલી હતી. આજે આ સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન લોકોને પ્રેરણા આપશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટપાલ વિભાગનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ નવા વર્ષની ભેટ, LPG સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો

Back to top button