કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

લોરેન્સ બીશ્નોઇના નામે મોરબીના ઉદ્યોગપતિને ધમકી, રૂ.25 લાખ માંગ્યા

Text To Speech

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પાસે જાણીતા પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના હત્યામાં સંડોવાયેલા કુખ્યાત લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસ દ્વારા રૂ. ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી છે અને અજાણ્યા શખ્સે ઉદ્યોગકારને ધમકી આપી હતી અને જો રૂપિયા ન મોકલાવે તો ઉદ્યોગપતિ અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી જેથી  ભોગ બનેલા ઉદ્યોગકાર દ્વારા મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ખંડણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

અજાણ્યા શખ્સે વોટ્સએપ કોલ, ઓડીયો અને વીડિયો મેસેજ મોકલ્યા

મળતી માહિતી મુજબ મુળ કાંતિપુરના રહેવાસી અને હાલમાં નાની વાવડીરોડ ઉપર આવેલ રાધાપાર્ક સોસાયટીમાં રહેતા અને જેતપર રોડ સ્કાય ટચ સીરામીક નામનું કારખાનું ધરાવતા સિરામિક ઉદ્યોગપતિ અનિલભાઇ વલ્લભભાઇ કગથરા (ઉ.વ.૩૭) નામના પટેલ યુવકે હાલમાં મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખંડણીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના મોબાઈલ ફોન ઉપર ગત તા.૨૯/૦૭/૨૦૨૨ ના કલાક ૦૨/૧૨ થી સાંજના પાંચેક વાગ્યા દરમ્યાન મોબાઇલ નંબર +1(425)606-4366 માંથી લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપીને વોટસએપ ઓડીયો કોલ્સ આવ્યો હતો અને ત્યાર બાદ વોટસએપમાં ઓડીયો, વીડિયો મેસેજ મોકલાવીને ૨૫ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.

આરોપીએ બેંક એકાઉન્ટ નંબર, પેટીએમ, ગુગલ પે, ફોન પે ડિટેલ્સ મોકલી

આરોપીઓ દ્વારા મોરબીના ઉદ્યોગકાર પાસે ખંડણી માંગનારા શખ્સે તેના વોટસએપમાં SBI બેન્કના એકાઉન્ટ નંબર 20421021127, IFSC -SBI0000190 તથા PAYTM – CHANDAN KUMAR 7766946803 મોકલીને બેન્ક એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે તથા ફોન પે ઉપર રૂપિયા મોકલી આપવા ધમકી આપી હતી અને જો રૂપિયા ૨૫ લાખ નહી આપે તો ફરીયાદી તથા તેના પરીવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટલું જ નહીં ફરીયાદીના મોબાઇલમાં રીવોલ્વર તથા કાર્ટીઝનો વિડીયો મુકી મૃત્યુનો ભય બતાવ્યો હતો.

પોલીસે આરોપીને બિહારથી દબોચી લીધો હોવાના અહેવાલ

જેથી ભોગ બનેલા ઉદ્યોગકારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપીને મોબાઇલ નંબર ઉપર મેસેજ, ઓડિયો અને વિડીયો સેન્ડ કરનારા તેમજ અજાણ્યા શખ્સે મોકલવેલ બેન્ક એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે તથા ફોન પેનો ઉપયોગ કરનાર તેમજ તેની સાથે સંડોવાયેલ શખ્સોની સામે ફરિયાદ નોંધવાતા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૮૪, ૩૮૭, ૫૦૭ ૫૧૧ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. હાલ આરોપીને પોલીસે બિહારથી રાઉન્ડ અપ કર્યો હોવાનું જાણવા મળ્યું છે અને તેને મોરબી લઈ આવી પુછપરછ શરૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
Back to top button