

નવી દિલ્હી, 26 ડિસેમ્બર, 2024: જેઈઈનો અભ્યાસ કરી રહેલી એક વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પર તેની મનોવ્યથા ઠાલવી છે. તેણે જણાવ્યું છે કે તેનાં માતા-પિતાએ તેના રૂમમાં સીસીટીવી કેમેરા લગાવડાવી દીધો છે, જેથી પોતે અભ્યાસ કરે છે કે નહીં એ તેઓ જોઈ શકે.
વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડ્ડીટ ઉપર પોસ્ટ કર્યું કે, હું આ મેસેજ લખી રહી છું તેના સાત મહિના પહેલાં મારા રૂમમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યો છે. હું આ સ્થિતિમાં નિઃસહાય અનુભવી રહી છું.
પોસ્ટમાં વિદ્યાર્થિનીએ લખ્યું કે, પોતાના રૂમમાં કેમેરા જોયા પછી તેણે રૂમ બદલી નાખ્યો, પરંતુ ત્યાં બીજા રૂમમાં પણ કેમેરા હતો. તેણે માતા-પિતાને પણ પોતાની આ નારાજગી વ્યક્ત કરી છે એટલું જ નહીં પરંતુ 16 વર્ષની ઉંમરે ઘર છોડી દેવાની તૈયારી દર્શાવી છે.
વિદ્યાર્થિનીની રેડ્ડીટની આ પોસ્ટ સબરેડ્ડીટમાં subreddit, r/IndianTeenagers માં પ્રકાશિત થઈ છે, જેનું શીર્ષક છે, મારા રૂમમાં કેમેરા લગાવવામાં આવ્યો છે (Camera installed in my room) બુધવાર પબ્લિશ થયેલી આ પોસ્ટ ઉપર સાડા ત્રણ હજાર લોકોએ લાઈક કર્યું છે અને એક હજાર કરતાં વધુ લોકોએ કોમેન્ટ કરી છે.
પોસ્ટમાં વિદ્યાર્થિની લખે છે, તો હું 16 વર્ષની વિદ્યાર્થિની છું, જેઈઈ માટે તૈયારી કરી રહી છું. મારા માતા-પિતાએ 7 મહિના પહેલાં મારા રૂમમાં કેમેરા લગાવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી હું ખૂબ વ્યથિત થઈ ગઈ હતી પરંતુ તે અંગે કશું કરી શકું તેમ નથી. તેમણે કેમેરા લગાવ્યો અને મારા ઉપર 24X7 નજર રાખી રહ્યા છે. તાજેતરમાં મેં રૂમ બદલ્યો. મને એમ હતું કે હું જે રૂમ બદલું છું તેમાં કેમેરા નહીં હોય, પરંતુ શું તમે જાણો છો? આજે તેમણે આ બીજા રૂમમાં પણ કેમેરા લગાવી દીધો અને સૌથી ચિંતાજનક બાબત એ છે કે હું દલીલ (વિરોધ) પણ કરી શકતી નથી. મને હવે શક્ય તેટલા વહેલા ઘર છોડી દેવાની ઈચ્છા છે. હું મારાં માતા-પિતાથી કંટાળી ગઈ છું.
નોંધપાત્ર છે કે, ચાર મહિના પહેલાં પણ રેડ્ડીટ ઉપર કોઈ વિદ્યાર્થીએ બરાબર આવી જ પોસ્ટ મૂકી હતી. એ વિદ્યાર્થીએ રેડ્ડીટ પોસ્ટમાં પ્રશ્ન મૂક્યો હતો કે, મારાં માતા-પિતાએ મારા અને મારી બહેનના રૂમમાં કેમેરા લગાવ્યા છે તે અંગે શું હું વધારે પડતું રિએક્શન આપી રહ્યો છું? આ વિદ્યાર્થીએ લખ્યું છે કે, હું વિદેશમાં અભ્યાસ કરું છું અને મારાં માતા-પિતાએ અમારા રૂમમાં કેમેરા લગાવડાવ્યો છે. તેમનું કહેવું છે કે, કેમેરો બારણા તરફ છે અને એમાં કોઈ વાંધો નથી, પરંતુ મને લાગે છે કે એ લોકો અમારી દરેક હિલચાલ ઉપર નજર રાખી રહ્યાં છે. તેમની પાસે અમારું લાઈવ લોકેશન તો હોય જ છે, તેઓ જાણે જ છે કે અમે ક્યાં જઈએ છીએ, ક્યારે જઈએ છીએ. મેં તેમને વિનંતી કરી કે, કમ સે કમ રૂમમાં તો કેમેરો ન રાખો, પણ એમની દલીલ છે કે તને બાળકો થશે ત્યારે તને આ વાત સમજાશે. અમારા વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને હું કેટલાય દિવસથી રડી રહ્યો છું. હું ખૂબ હતાશ થઈ રહ્યો છું. હું પુખ્ત છું અને આવી રીતે મારા ઉપર નજર રાખવામાં આવે એ ઈચ્છતો નથી.
આ પણ વાંચોઃ ખોદકામ જારી, સંભલમાં મળ્યો મૃત્યુ કૂવો, પાસે જ મૃત્યુંજય મહાદેવ મંદિર હોવાનો દાવો