‘ખાવા માટે પૈસા નથી, મારે મારા બાળકોને મારી નાંખવા જોઈએ’, આર્થિક સંકટની પીડા વ્યક્ત કરી રહેલી પાકિસ્તાનની મહિલાનો વીડિયો વાઇરલ
ઇન્ટરનેશનલ ડેસ્કઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનીઓની વધતી જતી મોંઘવારીએ તેમની કમર તોડી નાખી છે. લોકો હવે સોશિયલ મીડિયા દ્વારા પોતાની સમસ્યાઓ વ્યક્ત કરી રહ્યા છે અને વડાપ્રધાન શાહબાઝ શરીફ પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N)ના ટોચના નેતા મરિયમ નવાઝ પર પણ જનતા પ્રહારો કરી રહી છે.
આ દિવસોમાં પાકિસ્તાનમાં એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં એક મહિલા વધતી મોંઘવારી અંગે સરકારને આકરા સવાલો કરી રહી છે. આ મહિલાનું કહેવું છે કે, તેની પાસે ખાવા માટે પણ પૈસા નથી. તે પૂછે છે કે તેણે તેના બાળકોને મારી નાંખવા જોઈએ? મહિલાની ઓળખ કરાચીની રહેવાસી રાબિયા તરીકે થઈ છે.
‘સરકાર કહે કે આટલી મોંઘવારીમાં કેવી રીતે પૂરું કરવું?’
વીડિયોમાં રાબિયાને રડતી જોઈ શકાય છે. તે પીએમ શાહબાઝને રોકેટ સ્પીડની જેમ વધતી મોંઘવારી અંગે સવાલ કરી રહી છે. રાબિયા કહે છે કે, ‘મરિયમ નવાઝ પણ મોંઘવારી મુદ્દે મૌન છે. હવે આ મોંઘવારીમાં કેવી રીતે ટકી રહેવું તે સત્તાવાળાઓએ જ જણાવવું જોઈએ. મારે ઘરનું ભાડું ચૂકવવું, વીજળીનું બિલ ભરવું જોઈએ, દૂધ ખરીદવું જોઈએ, બાળકો માટે દવા લાવવી જોઈએ કે મારે તેમને મારી નાખવા જોઈએ?’’
‘શું મારે બાળકની દવા ખરીદવાનું બંધ કરવું જોઈએ?’
રાબિયા કહે છે કે, તે બે બાળકોની માતા છે. તેના એક બાળકની તબિયત સારી નથી. છેલ્લા ચાર મહિનામાં દવાઓની કિંમત ઘણી વધી ગઈ છે. શું મારે મારા બાળક માટે દવા ખરીદવાનું બંધ કરવું જોઈએ? સરકારે લગભગ ગરીબ લોકોને મારી જ નાખ્યા છે. મારે પૂછવું છે, શું તમે અલ્લાહથી પણ ડરતા નથી?