2024: ISROનું છેલ્લું મિશન શું છે અને કેટલું મહત્ત્વનું છે? પસંદગીના દેશો પાસે જ આ ઉપલબ્ધિ, જાણો
- 2024ના છેલ્લા મિશન દ્વારા ભારત ટૂંક સમયમાં આ સિદ્ધિ હાંસલ કરનાર ચોથો દેશ બનવા જઈ રહ્યું છે
HD ન્યૂઝ ડેસ્ક, 25 ડિસેમ્બર: વિશ્વના ફક્ત ત્રણ દેશો જેવા કે અમેરિકા, રશિયા અને ચીન જ તેમના બે અંતરીક્ષયાન અથવા ઉપગ્રહોને અંતરીક્ષમાં ડોક કરવાની ક્ષમતા ધરાવે છે. હવે 2024ના છેલ્લા મિશન દ્વારા ભારત પણ ટૂંક સમયમાં આ ક્ષમતા ધરાવનાર ચોથો દેશ બનવા જઈ રહ્યું છે. ISROનું SpaDex નામનું મિશન 30 ડિસેમ્બરે લોન્ચ થવાનું છે. Spadexનો સંપૂર્ણ અર્થ સ્પેસ ડોકિંગ પ્રયોગ છે.
અંતરીક્ષમાં ડોકીંગ શું છે?
શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C60 દ્વારા લોન્ચ કરવામાં આવશે. ISROના જણાવ્યા અનુસાર, સ્પેડેક્સ મિશન એ PSLVથી લોન્ચ કરાયેલા બે નાના અંતરીક્ષયાનનો ઉપયોગ કરીને ઇન-સ્પેસ ડોકીંગનું નિદર્શન કરવા માટે ખર્ચ-અસરકારક તકનીકી પ્રદર્શન મિશન છે. આ મહત્વાકાંક્ષી અંતરીક્ષ મિશન માટે મહત્ત્વની ટેક્નોલોજી છે જેમ કે ચંદ્ર પર ભારતીયોનું લેન્ડિંગ, ચંદ્ર પરથી સેમ્પલ ભારતમાં લાવવા, ભારતીય સ્પેસ સ્ટેશનનું બાંધકામ અને સંચાલન.
આ મિશન શું છે?
અંતરીક્ષમાં ડોકીંગ ટેકનોલોજી ત્યારે ખૂબ જરૂરી બને છે, જ્યારે દેશો વચ્ચે વહેંચાયેલ મિશન ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે બહુવિધ રોકેટ લોન્ચ કરવાના હોય. ISROના જણાવ્યા મુજબ, સ્પેસેક્સ મિશનમાં બે નાના અંતરીક્ષયાન (દરેક અંદાજે 220 કિગ્રા)નો સમાવેશ થાય છે જેને PSLV-C60 દ્વારા સ્વતંત્ર રીતે અને એકસાથે 55 ડિગ્રીના ઝુકાવ પર 470 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં છોડવામાં આવશે, જેનું સ્થાનિક સમય ચક્ર લગભગ 66 દિવસ હશે.
સ્પેસ ડોકીંગ પ્રયોગના પ્રદર્શન માટે મિશન
આ મિશન દ્વારા, ભારત સ્પેસ ડોકીંગ ટેકનોલોજી ધરાવતો વિશ્વનો ચોથો દેશ બનવાની તૈયારીમાં છે. 9 ડિસેમ્બરે PSLV-C59/ProBAS-3 મિશનના સફળ પ્રક્ષેપણ બાદ, ISROના અધ્યક્ષ અને અંતરીક્ષ વિભાગના સચિવ એસ. સોમનાથે કહ્યું હતું કે, ડિસેમ્બરમાં જ PSLV-C60ના પ્રક્ષેપણ સાથે સમાન મિશન આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ‘તે (PSLV-C60 મિશન) Spadex નામનો સ્પેસ ડોકિંગ પ્રયોગ કરવા જઈ રહ્યું છે. રોકેટ હવે તૈયાર છે અને અમે પ્રક્ષેપણ તરફ દોરી રહેલી પ્રવૃત્તિઓના અંતિમ તબક્કા માટે તૈયાર થઈ રહ્યા છીએ, સંભવતઃ ડિસેમ્બરમાં.’ મળતી માહિતી મુજબ, અંતરીક્ષમાં ડોકીંગની આ પ્રક્રિયા સૌથી મુશ્કેલ છે અને તેમાં થોડી પણ ભૂલ મોટી સમસ્યા ઊભી કરી શકે છે.
ડોકીંગની પ્રક્રિયા દ્વારા જ બન્યા છે અમેરિકા અને રશિયાના સ્પેસ સ્ટેશનો
મહત્ત્વપૂર્ણ છે કે, અમેરિકા અને રશિયા પૃથ્વી પર એકબીજાના દુશ્મન છે, જોકે બંને દેશોએ અંતરિક્ષમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની સ્થાપનામાં સાથે મળીને કામ કર્યું છે. જ્યારે નાસાના સ્પેસ શટલોએ ISSનો એક ભાગ બનાવ્યો છે, ત્યારે રશિયાએ પણ તેના પોતાના કેટલાક સ્પેસ શટલનો ઉપયોગ કર્યો છે. નાસા પાસે હાલમાં કોલંબિયા, ચેલેન્જર, ડિસ્કવરી, એટલાન્ટિસ, એન્ડેવર જેવા સ્પેસ શટલ છે જ્યારે રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસે તેના સ્પેસ શટલનું નામ બુરાન રાખ્યું છે.
આ પણ જૂઓ: Lookback 2024: ભારતની આ ટોપ ઇનોવેશન વિશે જાણો વિગતે