ગુજરાતની યુનિવર્સિટીઓ સરકારની મંજૂરી વિના કર્મચારીની ભરતી નહીં કરી શકે
- ગુજરાત યુનિવર્સિટીના 167 કર્મચારીઓની ભરતીનો વિવાદ થયો હતો
- સરકારના ઠરાવનું ચુસ્તપણે પાલન કરવાની જવાબદારી યુનિવર્સિટીની
- અગાઉની ભરતી મામલે સત્તાધીશો સામે કાર્યવાહી કરવામાં આવશે
ગુજરાત યુનિવર્સિટીના 167 કર્મચારીઓની ભરતીના વિવાદ બાદ હાઇકોર્ટના આદેશ બાદ પેન્શન સહિતના તમામ લાભ આપવાનો તાજેતરમાં નિર્ણય લેવાયો છે. જોકે, આ ઘટના બાદ રાજ્યના શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીઓને સ્પષ્ટતા આપતો ઠરાવ પસાર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારની મંજૂરી વિના એકપણ કર્મચારીની ભરતી કરી નહીં શકાય.
સરકારના ઠરાવનું ચુસ્તપણે પાલન કરવાની જવાબદારી યુનિવર્સિટીની
જો આ પ્રકારની ભરતી કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીના સત્તાધીશોની રહેશે. જોકે, આ વિશે એક ઠરાવ પાસ કરી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ઠરાવમાં રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને મંજૂર કરવામાં આવે તેવા લાભ, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અધિનિયમ-2023 સેક્શન 46ની જોગવાઈ મુજબ, રાજ્ય સરકારની મંજૂરી મેળવ્યા વિના યુનિવર્સિટી બારોબાર કોઈ કર્મચારીને મંજૂર કરી શકશે નહીં. સરકારના ઠરાવનું ચુસ્તપણે પાલન કરવાની જવાબદારી યુનિવર્સિટીની રહેશે.
અગાઉની ભરતી મામલે સત્તાધીશો સામે કાર્યવાહી કરવામાં આવશે
ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો પહેલાં જે 167 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી, તેને લઈને તે વખતના સત્તાધીશો સામે કાર્યવાહી કરવામાં આવશે. યુનિ.ના કાયદા અને સ્ટેચ્યુટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કર્યા બાદ તેની જાણ શિક્ષણ વિભાગને કરવાની સુચના અપાઈ છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ઠંડીનો ચમકારો, રાજ્યમાં જાણો કેમ લઘુતમ તાપમાનમાં વધારો થયો