ગુજરાત: સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા
- શિક્ષણ વિભાગ દ્વારા મહત્ત્વના સુધારા કરાયા
- વિદ્યાર્થી રીપિટર તરીકે કોઈ પણ ગ્રુપમાં પરીક્ષા આપી શકશે
- પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમ 2005ની જોગવાઈઓમાં ફેરફાર
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમમાં કેટલાક મહત્ત્વના સુધારા કર્યા છે. જે મુજબ હવે ધોરણ 11 સાયન્સનો વિદ્યાર્થી 11 સાયન્સમાં કોઈ પણ ગ્રુપ રાખી પાસ થાય તો તે ધોરણ 12માં ગ્રુપ બદલી શકશે અને કોઈ પણ ગ્રુપમાં પરીક્ષા આપી શકશે.
વિદ્યાર્થી રીપિટર તરીકે કોઈ પણ ગ્રુપમાં પરીક્ષા આપી શકશે
ધોરણ 12 સાયન્સ ગ્રુપ-B સાથે નાપાસ થયેલા વિદ્યાર્થી રીપિટર તરીકે કોઈ પણ ગ્રુપમાં પરીક્ષા આપી શકશે. મહત્ત્વનું છે કે સીબીએસઈ દ્વારા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીને આઈસોલેટેડ વિદ્યાર્થી તરીકે મુખ્ય વિષયની પરીક્ષા આપવાની તક આપવામા આવે છે. જેથી ગુજરાત સરકારે પણ ગુજરાત બોર્ડની પરીક્ષા માટે નિયમો સુધાર્યા છે.
પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમ 2005ની જોગવાઈઓમાં ફેરફાર
શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમ 2005ની જોગવાઈઓમાં ફેરફાર કર્યો છે. જેમાં નવી ઉમેરાયેલી જોગવાઈ મુજબ ધોરણ 12 સાયન્સ ગ્રુપ-B સાથે પાસ થયા બાદ વિદ્યાર્થી મુખ્ય પરીક્ષા બાદ પછીની તરતની પુરક પરીક્ષા-પુનઃપરીક્ષામાં અથવા પછીના વર્ષોની મુખ્ય પરીક્ષા કે પુરક પરીક્ષામાં પૃથ્થક ઉમેદવાર તરીકે ગણિત વિષયની અલગથી પરીક્ષા આપી શકશે. ધોરણ 11 સાયન્સમાં કોઈ પણ ગ્રુપ સાથે પાસ કર્યા બાદ ધોરણ 12 સાયન્સમાં કોઈ પણ ગ્રુપ રાખી શકશે કે બદલી શકશે. એટલે કે ધોરણ 11-A ગ્રુપ સાથે પાસ કર્યુ હોય તો ધોરણ 12માં B ગ્રુપ અથવા ધોરણ 11-B ગ્રુપ સાથે પાસ કર્યું હોય તો ધોરણ 12માં A ગ્રુપ રાખી શકાશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ઠંડીનો ચમકારો, રાજ્યમાં જાણો કેમ લઘુતમ તાપમાનમાં વધારો થયો