સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક
- સાંસદે દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધે તથા મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને વ્યસન મુક્તિ તરફ લોકોને આગળ વધારવાનો અનુરોધ કર્યો
પાલનપુર, 24 ડિસેમ્બર: સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ હતી. દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધે તથા મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને વ્યસન મુક્તિ તરફ લોકોને આગળ વધારવાનો સાંસદ ગેનીબેન ઠાકોરે અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેકટર મિહિર પટેલે કહ્યું કે, જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તથા ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે જરૂરી છે. આ ઉપરાંત સાંસદ ગેનીબેન ઠાકોરે જિલ્લા વહીવટી તંત્રની સારી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.
સાંસદ ગેનીબેન ઠાકોરે બેઠકમાં શું કહ્યું?
આ મિટિંગમાં “દિશા” બેઠકના અધ્યક્ષ અને સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે, લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સેવાઓનો લાભ મળે તથા વિશેષ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસના કાર્યો થાય તે જરૂરી છે. આ દિશા બેઠકમાં સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરી બાબતે ચર્ચા કરાઈ હતી.
ગેનીબેન ઠાકોરે જિલ્લા વહીવટી તંત્રની સારી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ખાસ કરીને દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધે તથા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર બને તે દિશામાં કામ કરવા સૂચન કર્યું હતું. આ સાથે લોકોને વ્યસનમુક્તિ તરફ આગળ વધવા આહવાન કર્યું હતું. સાંસદ ગેનીબેન ઠાકોરે વિવિધ બસ સ્ટેશન, શાળાઓ અને કોલેજ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ અને શી ટીમની કામગીરીને આગળ વધારવા કહ્યું હતું. આ સાથે પાણી પુરવઠા વિભાગમાં જે ગેર કાયદેસર કનેક્શન હોય તો તેને ત્વરિત દૂર કરવા પણ કહ્યું હતું.
આ સાથે ગ્રામીણ વિકાસ વિભાગ, કૃષિ ખેડૂત અને કલ્યાણ વિભાગ, પંચાયત રાજ, આવાસ અને શહેરી વિભાગ, જળ સંસાધનો નદી વિકાસ અને ગંગા સંરક્ષણ, પશુપાલન અને ડેરી, મહિલાને બાળ વિકાસ, આરોગ્ય, પેય જળ અને સ્વચ્છતા વિભાગ, ભૂમિ અને સંસાધન, શિક્ષણ, પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન, સડક પરિવહન અને રાજમાર્ગ, ખાણ મંત્રાલય, સામાજિક ન્યાય અને અધિકારીતા, વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ જેવા વિભાગો અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી.
બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલે શું કહ્યું?
દિશા બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલે કહ્યું કે, જિલ્લાના ખારાશ પ્રદેશોમાં ખેડૂતોને પોતાની જમીન પર કયા કયા પાક વાવી શકાય તેના માટે ખારાશ જમીનને પ્રયોગશાળામાં ચેક કરીને ખેડૂતોને ઉપયોગી એવી પુસ્તિકાને પ્રકાશિત કરવા જણાવ્યું હતું. તેમણે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તથા ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં ઈ.ચા જિલ્લા વિકાસ અધિકારી સી.પી.પટેલ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ જૂઓ: સુશાસન દિવસ : બનાસકાંઠાના થરાદ સહિત કુલ 6 નવી પેટા વિભાગીય કચેરીને મંજૂરી