ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગબિઝનેસ

જંત્રીના દરમાં વધારા અંગે ડીસાના રિયલ એસ્ટેટ ક્ષેત્રે આપ્યા પ્રત્યાઘાતઃ જાણો કોણે શું કહ્યું?

ડીસા, 24 ડિસેમ્બર, 2024: જંત્રીના દરમાં વધારો કરવાની રાજ્ય સરકારની હિલચાલને પગલે સર્વત્ર કચવાટ છે. આ વધારો થવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઉપર તો પ્રભાવ પડશે જ, પરંતુ સાથે ગ્રાહકો ઉપર પણ તેની અસર પડવાની છે.

આ જ કારણે વિવિધ સ્તરે આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડીસાના રિયલ એસ્ટેટ ક્ષેત્ર દ્વારા પણ આ અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે.

ડીસાના રિયલ એસ્ટેટ ડેવલપર્સ ચમનલાલ સોલંકી તથા જિજ્ઞેશભાઈ સોલંકીએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં તાજેતરમાં જંત્રીના દરમાં વધારો કરવામાં આવ્યો છે જે ડીસા સહિતના રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે નાણાકીય તથા વ્યવસાયિક પડકારો ઊભા કરે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે પડનારી અસરો અંગે વિગતવાર નોંધ તૈયાર કરવા ઉપરાંત આ સ્થિતિમાંથી બચવા માટે સૂચનો પણ કર્યાં છે.

પ્રોજેક્ટ ખર્ચમાં વધારો

તેમણે જણાવ્યું કે, જંત્રીના દર વધવાથી જમીનના ભાવમાં વધારો થયો છે. આ કારણે નવા પ્રોજેક્ટના વિકાસ ખર્ચમાં મોટો વધારો થયો છે. પરિણામે મધ્યમવર્ગના જે લોકો ઘર ખરીદવાની ઈચ્છા રાખતા હોય અથવા એ માટે સ્વપ્ન સેવતા હોય તો એ પૂરું કરવાનું ઘણું મુશ્કેલ બની ગયું છે.

વેચાણમાં મંદી

જંત્રીના દરમાં વધારો થવાથી કોઈ એક બાબત ઉપર અસર નથી થવાની પરંતુ તેની વ્યાપક અસરો થશે. જેમ કે, ઉચ્ચ જંત્રી દરને કારણે હવે જમીન ખરીદતા અથવા મકાન માટે સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફી વધુ ચૂકવવી પડશે. આ વધેલા ખર્ચને કારણે ખરીદદારો માટે ઘર ખરીદવાનું આકર્ષણ ઘટી શકે છે, જે છેવટે બજારમાં મંદી લાવશે.

નવા મૂડી રોકાણ પર અવરોધ

રિયલ એસ્ટેટ ક્ષેત્રના આ અગ્રણીઓનું કહેવું છે કે, ડીસા અને આસપાસના ડેવલપર્સ હવે નવા મૂડી રોકાણમાં મુશ્કેલી પડશે. ખાસ કરીને નાના અને મધ્યમ ડેવલપર્સ માટે તો નવા પ્રોજેક્ટ શરૂ કરવા સો વાર વિચાર કરવો પડશે.

ગ્રાહકોના માથે આર્થિક બોજ

ડેવલપર્સ ગ્રાહકોની પણ ચિંતા કરી રહ્યા છે. જંત્રીના દરમાં વધારો થવાથી ડેવલપર્સને પોતાને તો મુશ્કેલીઓ પડશે જ, સાથે ગ્રાહકો ઉપર પણ તેની અસર થશે. મધ્યમ અને ઓછી આવક ધરાવતા લોકોને મકાન ખરીદવા માટે અગાઉ કરતાં વધારે મૂડીની જરૂર પડશે. તેઓ માટે સ્ટેમ્પ ડ્યૂટી, રજિસ્ટ્રેશન ફી તેમજ વધેલા જમીનના ભાવોને કારણે ઘરનું ઘર ખરીદવાનું સ્વપ્ન પૂરું કરી શકશે કે કેમ એ પ્રશ્ન છે.

નાના ડેવલપર્સ માટે વિશેષ પડકાર

રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણીઓએ નાના ડેવલપર્સની ખાસ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે જેઓ વધુ મૂડી સાથે કામ કરી શકે તેમ નથી એવા નાના ડેવલપર્સ માટે તો આ જંત્રી દરનો વધારો ઘાતક સાબિત થઈ શકે તેમ છે. અને તેની અસર બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા અન્ય લોકો ઉપર પણ પડશે અને બેરોજગારી વધશે તેવી પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે.

ડીસા રિયલ એસ્ટેટના અગ્રણીઓએ આ સ્થિતિ ટાળવા કેટલાંક સૂચન પણ કર્યાં છે. તેમનું કહેવું છે કે, જંત્રી દરમાં વધારાના મુદ્દે ક્ષેત્રના અગ્રણીઓએ સરકાર સાથે વાતચીત કરવી જોઇએ અને ડેવલપર્સને છૂટછાટ મળે તેવા પ્રયાસ કરવા જોઇએ.

ડેવલપર્સનું કહેવું છે ચકે, લાંબાગાળાની વિકાસ યોજના બનાવવી જોઇએ. મધ્યમ અને ઓછી આવક ધરાવતા વર્ગો માટે સસ્તાં ઘર અને મફત આવાસ યોજનાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. સાથે તેમનું એવું પણ સૂચન છે કે, ડીસાની આસપાસના વિસ્તારોમાં હાઉસિંગ વિકલ્પો વિકસાવીને બજારમાં નવી તકો ઊભી કરવી જોઇએ.

આ પણ વાંચોઃ રાજ્યમાં વીજળીના ફ્યુઅલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસા ઘટાડાની જાહેરાત

આ પણ વાંચોઃ ગુજરાતમાં બસના મુસાફરોને રાહતઃ ટિકિટ માટે છૂટા પૈસાની માથાકુટમાંથી મળી મુક્તિ

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button