

કોઈપણ પાકને પૂછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઈયળ અમેરીકાથી વાયા આફ્રિકા ફરી આપણા દેશમાં ૨૦૧૮માં આવેલ છે અને દેશના વિવિધ ભાગોમાં ખાસ કરીને મકાઈને ખૂબ જ નુકશાન કરે છે. અત્યારે પણ આ જીવાતનો પ્રકોપ મકાઈ ઉગાડતા રાજ્યોમાં ચાલુ છે. આ જીવાત હાલમાં મકાઈમાં જોવા મળેલ છે. પરંતુ ભવિષ્યમાં બીજા પાકમાં પણ પગપેસારો કરવાની પુરી શક્યતા છે. આ ઈયળો છોડની ભૂંગળીમાં વિકસતા નાના પાન કોરી ખાતી હોવાથી પાન પર સમાંતર કાણાં જોવા મળે છે. વધુ ઉપદ્રવ હોય તો પાન પર ઘણા અનિયમિત આકારના સમાંતર કાણાં અને ઈયળની હગાર જોવા મળે છે. ભૂંગળીમાં નુકશાન પામેલ પાન જ્યારે ખૂલે અને મોટા થાય ત્યારે તેના પર ખેંચાયેલ લાંબા કાણાં જોવા મળે છે. છોડની શરૂઆતની અવસ્થામાં ઉપદ્રવનું પ્રમાણ વધારે હોય તો ટોચના ભાગમાં નુકશાન થવાથી ક્યારેક છોડ બૂઠા થઈ જાય છે કે નાશ પામે છે. ત્યારે ઇયળ નિયંત્રણ માટેના જરૂરી પગલા જરૂરી સૂચના ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવી છે.
પિયત અને રાસાયણિક ખાતરનો વપરાશ ભલામણ મુજબ જ કરવો.
પ્રકાશ પિંજર પ્રતિ હેક્ટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતનાં પુખ્તને આકર્ષી નાશ કરવો.
આ જીવાતનાં નર ફૂદાંને આકર્ષતા ફેરોમોનટ્રેપ ૪૦ પ્રતિ હેક્ટર પ્રમાણે ગોઠવવાથી જીવાતના ઉપદ્રવને કાબુમાં રાખી શકાય.
ઈંડાના સમૂહ અને જુદાં-જુદાં તબક્કાની ઈયળોને હાથથી વીણી એકત્ર કરી નાશ કરવો.
ફેરોમોન ટ્રેપમાં પ્રતિ ટ્રેપ ત્રણ નરફૂદા આકર્ષાય ત્યારે ફોલ આર્મીવોર્મના ઈંડાના પરજીવી ટ્રાઈકોગ્રામા પ્રેટીયોસમ અથવા ટીલેમોનસ રેમસ પ્રતિ હેકટરે ૧,૨૫,૦૦૦ની સંખ્યામાં દર અઠવાડિયે છોડવાની ભલામણ કરવામાં આવે છે.
ઉપદ્રવની શરુઆતમાં બેસીલસ થુરીન્ઝીએન્સીસ નામના જીવાણુનો પાવડર ૨૦ગ્રામ અથવા મેટારાઇઝીયમ એનીસોપ્લી અથવા બ્યુવેરીયા બેસીયાના અથવા ન્યુમેરીયારીલી અથવા વર્ટીસિલિયમ લેકાની નામની ફૂગનો પાવડર ૫૦ ગ્રામ અથવા લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫%અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિલિ (પાણીમાં ભેળવવા ૧૦ ગ્રામ કપડા ધોવાનો પાવડર ઉમેરવો) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦ મિલિ (૫% ઈસી) થી ૫૦મિલિ (૦.૦૩ઈસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં અને રહેવામાં અડચણ પેદા થાય છે.
વધુ ઉપદ્રવ હોય તો ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫% એસસી ૪ મિલિ અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૫ મિલિ અથવા થાયોમેથોકઝામ ૧૨.૬% + લેમડાસાયહેલોથ્રીન ૯.૫ % ઝેડસી ૩ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છોડ અને ભૂંગળીનો ભાગ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
સામાન્ય સંજોગોમાં પ્રથમ છંટકાવ મકાઈનાં વાવેતર બાદ ૨૫ થી ૩૦ દિવસે અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૫ દિવસ બાદ કરવો જોઇએ. જો બંને વખતે પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવાનો હોય તો કીટનાશક બદલવી.
મકાઈ ૨૫-૩૦ દિવસની થાય ત્યારે વિષ પ્રલોભિકા (૧૦કિ.ગ્રા. ડાંગરનું ભુસુ + ૨કિ.ગ્રા. ગોળ + ૨ લિટર પાણી મિશ્રણ કરી એક રાત્રી રહેવા દેવું. બીજા દિવસે તેમાં ૧૦૦ ગ્રામ થાયોડિકાર્બ ૭૫ વેપા બરાબર ભેળવવું) ભૂંગળીમાં આપવી અને ત્યારબાદ ૧૫ દિવસે ઉપર દર્શાવેલ કોઈ એક કીટનાશકનો છંટકાવ કરવો અથવા પાક ૨૫-૩૦ દિવસનો થાય ત્યારે વિષ પ્રલોભિકા અને ત્યારબાદ ૧૫ દિવસે ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ૦.૪% જીઆર કે ફીપ્રોનિલ ૦.૬% જીઆર ૨૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે ભૂંગળીમાં આપવા.
પાક કાપી લીધા બાદ જડીયા અને કચરો સેન્દ્રિય ખાતર બનાવવાના ઉપયોગમાં લેવો.
જમીનમાં ઉંડી ખેડ દિવસ દરમ્યાન કરવી જેથી તેમાં રહેલા કોશેટા બહાર આવતા પક્ષીઓ દ્વારા કુદરતી નિયંત્રણ મળશે.
ઘાસચારાની મકાઈમાં વધુ ઉપદ્રવ જણાય તો તાત્કાલિક તેને કાપી લઈ ઢોરને ખવડાવી દેવી.
રાસાયણિક કીટનાશકનાં છંટકાવ અને કાપણી વચ્ચે ઓછામાં ઓછો ૧૫ દિવસનો સમયગાળો જાળવવો.
લીલા ઘાસચારા માટે મકાઇનું વાવેતર કરેલ હોયતો રાસાયણિક કીટનાશકનો છંટકાવ ટાળવો.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, કે.વી.કે, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિ), નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર –૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવા ખેતી નિયામક, કૃષિભવન, ગાંધીનગરની યાદી જણાવ્યું છે.