ભરૂચની દુષ્કર્મ પીડિત 10 વર્ષની બાળકીનું મૃત્યુ, સારવારમાં દમ તોડ્યો


- ઝઘડિયા GIDCમાં બની હતી ઘટના
- ભોગ બનનાર બાળકી આઠ દિવસથી વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી
ભરૂચ, 23 ડિસેમ્બર : ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં એક 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવાની ઘટનામાં આઠ દિવસ બાદ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ ભોગ બનનાર બાળકીનું 8 દિવસની સારવાર બાદ મૃત્યુ થયું છે. બાળકીને બે દિવસમાં ત્રણ યુનિટ લોહી ચઢાવવામાં આવ્યું હતું તેમ છતાં તેણે દમ તોડી દીધો છે.
જાણવા મળ્યા મુજબ ઝઘડિયા GIDCમાં ગત તા.16 ડિસેમ્બરે એક શ્રમિક પરિવારની 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બની હતી. પડોશમાં જ રહેતા પરપ્રાંતીય આરોપી વિજય પાસવાને ફૂલ જેવી માસૂમ બાળકીને પીંખી નાખી હતી. દુષ્કર્મ પહેલા આરોપી વિજય પાસવાને બાળકીના મોઢા ઉપર પથ્થરથી હુમલો કરીને લોહી લુહાણ કરી નાખી હતી અને પીડિતાના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
આ ઘટના બાદ બાળકીની હાલત ગંભીર હોવાથી વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. બાળકીને બે દિવસમાં ત્રણ યુનિટ લોહી ચઢાવવામાં આવ્યું હતું. છતાં આ બાળકીએ દમ તોડી દીધો હતો. જો કે, સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને હાલ આરોપી વિજય પાસવાન જેલ હવાલે છે.
શું હતું બાળકીના મોતનું કારણ?
આ સમગ્ર ઘટનામાં SSG હોસ્પિટલના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે, ‘બાળકીને બપોરે બે વાગ્યે કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો, જેના લીધે તેની હાલત અત્યંત ગંભીર થઈ ગઈ હતી. પરંતુ અમારી ટીમે સારવાર આપ્યા બાદ બાળકી સ્ટેબલ થઈ હતી. પરંતુ બાદમાં ફરીથી સાંજે 5:15 એ બીજીવાર કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો. તબીબોની ટીમે તમામ પ્રયાસ કર્યા પરંતુ અંદાજે સાંજે 6:15 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. બાળકીના શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું. ઓર્ગન ફેઇલ થઈ જવાથી તેને કાર્ડિયાક અટેક આવ્યા હતા.
આ પણ વાંચો :- રાજ્યના 20 જેટલા ધારાસભ્યો સહિત અનેક VIPની સુરક્ષા પરત ખેંચાઈ, જૂઓ યાદી