કાનુની સલાહ લેવા ગયેલી યુવતી ઉપર વકીલના સાથીનું દુષ્કર્મ, જૂઓ ક્યાંની છે ઘટના
- બનાસકાંઠાના પાલનપુરનો દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો
- બે મહિલા સહિત 5 સામે ગુનો નોંધાયો
- બળાત્કાર કરનારની ધરપકડ કરાઈ
પાલનપુર, 23 ડિસેમ્બર : ઉત્તર ગુજરાતમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બનાસકાંઠાના પાલનપુરમાં કાનુની સલાહ લેવા વકીલ પાસે ગયેલી યુવતી ઉપર વકીલના સાથીએ દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મની ઘટનામાં બે મહિલાઓએ પણ મદદગારી કરતાં કુલ 5 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ, બનાસકાંઠાના ડીસામાં રહેતી એક યુવતીને પોતાના મિત્ર સાથે કોઈ બાબતે ઝઘડો થઈ ગયો હતો. જેના માટે કાનુની સલાહ લેવા આ યુવતી એડવોકેટ ઇન્દ્રીશ પઠાણ પાસે ગઈ હતી. જે બાદ યુવતીની કેટલીક વાત જાણી તેણીને ઇન્દ્રીશે સંગીતા સોલંકીના ઘરે મોકલી હતી.
યુવતી સંગીતાના ઘરે પહોંચ્યા બાદ ત્યાં તેને અનિતા ગૌસ્વામી નામની અન્ય યુવતીની મદદથી ત્રણ દિવસ ગોંધી રાખવામાં આવી હતી. આ ત્રણ દિવસ દરમિયાન યુવતી ઉપર ઇન્દ્રીશના સાથી લાલો ઉર્ફે અફઝલ માલવ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેમાં તેની મદદ જાવેદ મકરાણી નામના શખસે કરી હતી.
અહીંથી છુટકારો મેળવી યુવતી પોલીસ પાસે પહોંચી હતી અને ત્યાં તેણીએ પોતાની આપવીતી જણાવતાં તુરંત જ એડવોકેટ ઇન્દ્રીશ પઠાણ, તેના સાથી લાલો ઉર્ફે અફઝલ માલવ તેમજ દુષ્કર્મમાં મદદગારી કરનાર સંગીતા સોલંકી, અનિતા ગૌસ્વામી અને જાવેદ મકરાણી સામે ગુનો નોંધાયો હતો.
આ કેસની માહિતી આપતા પાલનપુર ડીવાયએસપી જીગ્નેશ ગામીતે જણાવ્યું હતું કે ભોગ બનનાર યુવતી બ્યુટીપાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી છે. તે મૂળ ડીસાની રહેવાસી છે. આ કેસમાં યુવતીની ફરિયાદના આધારે પોલીસે એડવોકેટ સહિત 5 સામે ગુનો નોંધી દુષ્કર્મ કરનાર લાલો ઉર્ફે અફઝલ માલવની ધરપકડ કરી છે. તેમજ ગુનાના અન્ય આરોપી ઇન્દ્રિશ પઠાણ, સંગીતા સોલંકી, અનિતા ગૌસ્વામી, જાવેદ મકરાણીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :- શેરબજારનો ઉછાળા સાથે પ્રારંભ, અદાણી ગ્રુપના શેરમાં જોરદાર તેજી દેખાઈ