સ્પેસ ડોકીંગ શું છે? ISRO વધુ એક ઇતિહાસ રચવાની તૈયારીમાં, જાણો આ મિશનનો હેતુ
- ISROએ તેના સ્પેસ ડોકિંગ પ્રયોગ SpaDeX ઉપગ્રહોની પ્રથમ ઝલક રજૂ કરી
શ્રીહરિકોટા, 22 ડિસેમ્બર: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આ મહિનાના અંતમાં લોન્ચ થનારા તેના સ્પેસ મિશન દ્વારા વધુ એક ઈતિહાસ રચવાની તૈયારી કરી રહ્યું છે. આ શ્રેણીમાં, ISROએ શનિવારે તેના સ્પેસ ડોકિંગ પ્રયોગ (SPADEX) ઉપગ્રહોની પ્રથમ ઝલક રજૂ કરી. તેને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં પ્રથમ લોન્ચ પેડ પર મૂકવામાં આવ્યું છે. ISRO અનુસાર, સ્પેસ ડોકીંગ પ્રયોગનો ઉદ્દેશ સ્પેસમાં અંતરિક્ષયાન (PSLV-C60)ના ડોકીંગ (એક યાનને બીજા યાન સાથે જોડવા) અને અનડોકિંગ (અંતરીક્ષમાં જોડાયેલા બે વાહનોને અલગ કરવા) માટે જરૂરી ટેકનોલોજી વિકસાવવાનો છે.
🚀 SpaDeX Mission: A Leap Towards India’s Space Ambitions 🌌
ISRO’s SpaDeX mission, launching with PSLV-C60, will demonstrate in-space docking using two small spacecraft. This groundbreaking technology is key to future lunar missions, building Bharatiya Antariksh Station (BAS),… pic.twitter.com/hEHZ7M0zi2
— ISRO (@isro) December 21, 2024
‘ડોકિંગ’ ટેકનોલોજીનું પ્રદર્શન
ISROએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ જાણકારી આપી. ISROએ એક પોસ્ટમાં કહ્યું કે, “પ્રક્ષેપણ યાનને એકીકૃત કરવામાં આવ્યું છે અને હવે તેને સેટેલાઇટ્સના સ્થાપન અને પ્રક્ષેપણની તૈયારીઓ માટે પ્રથમ ‘લોન્ચિંગ પેડ’ પર ખસેડવામાં આવ્યું છે.” ISRO અનુસાર, ‘SPADEX’ મિશન PSLV દ્વારા લોન્ચ કરાયેલા બે નાના અંતરિક્ષયાનનો ઉપયોગ કરીને ‘સ્પેસમાં ડોકીંગ’ કરવાની ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે.
ભવિષ્યના અંતરિક્ષ મિશન માટે જરૂરી
ISROએ કહ્યું કે, આ ટેક્નોલોજી ભારતના મૂન મિશન માટે જરૂરી છે, જેમાં ચંદ્ર પરથી સેમ્પલ લાવવા, ઈન્ડિયન સ્પેસ સ્ટેશન (BAS) ના નિર્માણ અને સંચાલન માટે જરૂરી છે. જ્યારે વહેંચાયેલ મિશન ઉદ્દેશ્યો હાંસલ કરવા માટે બહુવિધ રોકેટ લોન્ચ કરવાની જરૂર હોય ત્યારે અંતરિક્ષમાં ‘ડોકિંગ’ ટેક્નોલોજી જરૂરી છે. જો આ મિશનમાં સફળતા મળશે તો ભારત સ્પેસ ‘ડોકિંગ’ ટેક્નોલોજી પ્રાપ્ત કરનાર વિશ્વનો ચોથો દેશ બનવા તરફ આગળ વધશે.
ISRO અનુસાર, SPADEX મિશન હેઠળ બે નાના અંતરિક્ષયાન (દરેકનું વજન અંદાજે 220 કિગ્રા) PSLV-C60 દ્વારા સ્વતંત્ર રીતે અને એકસાથે 55 ડિગ્રી ઝુકાવ પર 470 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં છોડવામાં આવશે, જેનું સ્થાનિક સમય ચક્ર લગભગ 66 દિવસ રહેશે.
PSLV-C60 દ્વારા લોન્ચ
જાણકારી અનુસાર, આ મહિનાના અંતમાં PSLV-C60 દ્વારા તેને લોન્ચ કરવામાં આવશે. ISROના અધ્યક્ષ એસ. સોમનાથે અગાઉ કહ્યું હતું કે, PSLV-C60 મિશન ‘સ્પેસ ડોકિંગ’ પ્રયોગનું પ્રદર્શન કરશે, જેને ‘Spadex’ નામ આપવામાં આવ્યું છે. જે સંભવતઃ ડિસેમ્બરમાં જ પૂર્ણ થઈ શકે છે.
‘સ્પેસ ડોકિંગ’ શું છે અને તેનો શું હેતુ છે?
‘સ્પેસ ડોકિંગ’ એક એવી ટેકનિક છે જેના દ્વારા બે અંતરિક્ષયાન અંતરીક્ષમાં જોડાય છે. આ એક એવી ટેક્નોલોજી છે જેની મદદથી મનુષ્યને એક અંતરિક્ષયાનથી બીજા અંતરિક્ષયાનમાં મોકલી શકાય છે. તેથી સ્પેસ સ્ટેશનના સંચાલન માટે સ્પેસ ડોકીંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ડોકીંગમાં, અંતરિક્ષયાન પોતાની મેળે સ્ટેશન સાથે જોડાઈ શકે છે. અંતરિક્ષમાં બે અલગ-અલગ વસ્તુઓને જોડવાની આ ટેક્નોલોજી ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવામાં અને ચંદ્રયાન-4 પ્રોજેક્ટમાં મદદ કરશે.
આ પણ જૂઓ: Lookback 2024: ભારતની આ ટોપ ઇનોવેશન વિશે જાણો વિગતે