અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતયુટિલીટીહેલ્થ

ગુજરાતમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી

  • રાજ્યના ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્ત્વના બની રહેશેઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
  • ભારત સરકારના નિયત માપદંડો પ્રમાણે હાલ રાજ્યમાં ૨૦૧૧ ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ ૧૪૯૯ પ્રા.આ.કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજુર અને કાર્યરત

ગાંધીનગર, 21 ડિસેમ્બર, 2024: ગુજરાતમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી એક બેઠકમાં તેમણે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૨૪ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (P.H.C) ને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્યના ગ્રામ્ય આરોગ્ય માળખાને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે તેમ નવાં આરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપતાં મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું.

સૂચિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો - HDNews
સૂચિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો – HDNews

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વસ્તીનાં ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવામાં આવે છે. જે મુજબ સામાન્ય વિસ્તારમાં ૩૦,૦૦૦ અને આદિજાતિ વિસ્તારમાં ૨૦,૦૦૦ની ગ્રામ્ય વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે છે. હાલ રાજ્યમાં ૨૦૧૧ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ ૧૪૯૯ પ્રા.આ.કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજૂર અને કાર્યરત છે તેમ તેમણે માહિતી આપી હતી.

હાલ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મંજૂરીમાં ભૌગોલિક પરિસ્થિતિને આધારે ઉક્ત વસ્તીનાં ધારાધોરણો ધ્યાને ન લેતાં જીઓ સ્પેશિયલ એનાલિસિસના આધારે આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈ કુલ ૨૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવ્યા છે, જેથી આવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સુચારૂ રૂપે પૂરી પાડી શકાશે. ઉલ્લેખનીય છે કે, એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર, લેબોરેટરી ટેકનિશિયન, જુનિયર ફાર્માસિસ્ટ, સિનિયર ક્લાર્ક સહિતના અન્ય સ્ટાફની નિમણૂક કરાય છે. હાલ જે જગ્યાઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ઘટ છે ત્યાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ પહોંચતી કરવામાં સ્થાનિક જનો માટે આ કેન્દ્રો આશીર્વાદરૂપ સાહિત થશે તેમ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Video: રઘુરામ રાજને શરૂ કર્યા મોદી સરકારના વખાણ, અત્યાર સુધી તેઓ રાહુલ ગાંધી સાથે મળી કરતા હતા ટકોર!

Back to top button