કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતવિશેષ

૧૦મી ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ, જૂઓ સરકાર કઈ રીતે કરશે ઉજવણી

Text To Speech

૧૦મી ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આ દિવસની ઉજવણી વિશ્વમાં જોવા મળતા સિંહોની અગત્યતા દર્શાવે છે. સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક, ધાર્મિક તેમજ પારિસ્થિતીક રીતે ઘણું અલગ અને આગવું મહત્વ ધરાવતી પ્રજાતિ છે. સમગ્ર વિશ્વમાં તેના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને લોક ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

સિંહો ગીર અને બૃહદગીરના 30000 ચો. કી.મી. વિસ્તારમાં મુક્ત પણે વિહરતા જોવા મળે છે
એશિયાઇ સિંહ ભારત દેશના ગુજરાત રાજયના સૌરાષ્ટ્રના વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે. તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું અમુલ્ય યોગદાન રહેલું છે. ગુજરાત સરકારના વન વિભાગ, ગુજરાત રાજ્ય અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસથી તેની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થયો છે. સંખ્યા વધતાની સાથે તેઓ ભુતકાળના તેમના નિવાસ સ્થાનને પુન: મેળવી રહ્યા છે. આજે સિંહો ગીર અને બૃહદગીરના 30000 ચો. કી.મી. વિસ્તારમાં મુક્ત પણે વિહરતા જોવા મળે છે. આ વિસ્તારને એશિયાટીક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે.

લોકભાગીદારીથી આ દિવસની કરવામાં આવે છે ઉજવણી
ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી વન વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા ૨૦૧૬ નાં વર્ષથી શરૂ કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, શિક્ષણ વિભાગનો સ્ટાફ, સ્થાનિક જનપ્રતિનિધીઓ, એન.જી.ઓ.ના સભ્યો, પ્રકૃતિપ્રેમીઓ, સિંહ પ્રેમીઓ, ગ્રામજનોની લોકભાગીરીથી આ ઉજવણી કરવામાં આવેલ છે. ૨૦૧૬ માં ૫.૪૬ લાખ, ૨૦૧૭ માં ૮.૭૬ લાખ, ૨૦૧૮ માં ૧૧.૦૨ લાખ, ૨૦૧૯માં ૧૧.૩૭ લાખની મોટી સંખ્યામાં લોકભાગીદારી નિર્માણ થયેલ હતી.

કોરોનાકાળમાં આ દિવસની ઉજવણી ડીજીટલ મીડીયાના માધ્યમથી વર્ચ્યુલ રીતે કરવામાં આવી
૨૦૨૦ અને ૨૦૨૧ ના વર્ષોમાં કોવિડ-૧૯ મહામારીના કારણે વિશ્વ સિંહ દિવસની પ્રત્યક્ષ રીતે ઉજવણી શક્ય ન હતી. લોકોના સિંહ પ્રત્યેના પ્રેમને ધ્યાને લઇ ડીજીટલ મીડીયાના માધ્યમથી વર્ચ્યુલ રીતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી અને જેમાં ખુબજ મોટા પ્રમાણમાં દેશ અને વિદેશના સિંહ પ્રેમીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ અને જેની સંખ્યા ૨૦૨૦ માં ૭૨.૬૩ લાખ અને ૨૦૨૧ માં ૮૫.૦૧ લાખની હતી. આમ કોવીડ-૧૯ની પરિસ્થિતી હોવા છતા વર્ચ્યુલ માધ્યમથી ખુબજ મોટા પ્રમાણમાં લોકભાગીદારી નિર્માણ થયેલ હતી.

સૌરાષ્ટ્રના ૮ જીલ્લાઓની આશરે ૬૫૦૦ જેટલી શાળઓ/કોલેજોમાં આ વર્ષે ઉજવણી
ચાલુ વર્ષે ૧૦મી ઓગસ્ટના રોજ શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજી પ્રત્યક્ષ રીતે અને ડીજીટલ મીડીયાનો ઉપયોગ કરી વર્ચ્યુલ રીતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. વન વિભાગ, ગુજરાત રજ્ય, ગુજરાત શિક્ષણ વિભાગ તેમજ સ્થાનિક લોકોના સહીયારા પ્રયાસોથી સૌરાષ્ટ્રના ૮ જીલ્લાઓની આશરે ૬૫૦૦ જેટલી શાળઓ/કોલેજોમાં આ ઉજવણી કરવામાં આવનાર છે. આ ભવ્ય ઉજવણીમાં આશરે ૧૫ લાખથી વધુ લોકો જોડાશે. આ કાર્યક્રમ જે તે ગામ/શહેરની શાળાઓમાં કરવામાં આવશે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, જનપ્રતિનિધિઓ, ગ્રામજનો, એન.જી.ઓ.ના સભ્ય, પ્રકૃતિપ્રેમીઓ, સિંહપ્રેમીઓ, ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ શાળાએ ૧૦ મી ઓગષ્ટના રોજ એકત્ર થઇ આ કાર્યક્રમમાં જોડાશે.

મુખ્યમંત્રી સેટકોમથી જોડાશે, સિંહ સંરક્ષણ અને સંવર્ધનને માટેની મહારેલી કઢાશે
ઉજવણીની શરૂઆતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સેટકોમ મારફત સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગેના સંદેશાના જીવંત પ્રસારણથી થશે. ત્યારબાદ શાળાના પટાંગણમાંથી નિયત કરવામાં આવેલ રૂટ પર સિંહોના મ્હોરા પહેરી અને બેનર લઇ સાથોસાથ સિંહ સંરક્ષણ અને સંવર્ધનને લગત નારાઓ બોલવા સાથે ઐતિહાસિક મહારેલી કાઢવામાં આવશે. રેલી પુર્ણ કરી તમામ શાળાના પટાંગણમાં એકત્ર થઇ સભાના રૂપમાં મળશે જેમાં સિંહ પર બનેલી આશરે ૧૦ થી ૧૨ મીનીટની ડોકયુમેન્ટ્રી ફિલ્મ નિહાળશે. બાદ શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, સ્થાનિક એકત્ર લોકો દ્વારા સિંહ પર વકતવ્ય આપવામાં આવશે અને એશિયાઇ સિંહના સંરક્ષણ માટે સંકલ્પ (પ્રતિજ્ઞા) લેવામાં આવશે. ત્યાર બાદ જે તે શાળા દ્વારા આ ઉજવણી સંલગ્ન પ્રવૃતિઓ કરવામાં આવશે.

Back to top button