વધુ એક ગુજરાતી કંપનીનો આવશે IPO, સેબીમાં જમા કરાવ્યો ડ્રાફ્ટ
અમદાવાદ, તા. 21 ડિસેમ્બર, 2024: ગુજરાત સ્થિત એગ્રોકેમિકલ કંપની જીએસપી ક્રોપ સાયન્સે તાજેતરમાં જ તેના IPO માટે માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કરી છે. IPO હેઠળ કંપની 280 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે, સાથે જ પ્રમોટર્સ દ્વારા 60 લાખ શેર સુધીની ઓફર ફોર સેલ (OFS) પણ આપવામાં આવશે.
કોણ છે પ્રમોટર
20 ડિસેમ્બર, 2024 ના રોજ દાખલ કરાયેલા ડીઆરએચપી મુજબ, કંપનીના પ્રમોટર્સ વિલાસબેન વ્રજમોહન શાહ, ભાવેશ વ્રજમોહન શાહ અને કપ્પા ટ્રસ્ટ ઓફર ફોર સેલ હેઠળ શેર વેચાણ માટે મૂકશે. આ ઉપરાંત, જીએસપી ક્રોપસાયન્સ તેના આઇપીઓ લોન્ચ કરતા પહેલા પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ દ્વારા 56 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. જો આવું થાય તો નવા ઇક્વિટી શેરોનું કદ ઘટી શકે છે.
કંપનીએ તેના બાકી દેવાની ચુકવણી માટે IPOમાંથી 200 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જ્યારે બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. ડીઆરએચપીના જણાવ્યા અનુસાર, કંપનીનું હાલનું બાકી દેવું રૂ. 428.3 કરોડ, જેમાંથી રૂ. 288.96 કરોડનું ભંડોળ આધારિત દેવું છે.
પ્રમોટરોનો જીએસપી ક્રોપસાયન્સમાં 98.25 ટકા હિસ્સો છે, જ્યારે પબ્લિક શેરહોલ્ડર્સનો હિસ્સો માત્ર 1.75 ટકા છે. કંપનીના મુખ્ય સ્પર્ધકોમાં પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, સુમિતોમો કેમિકલ ઇન્ડિયા, ધાનુકા એગ્રીટેક, રેલિસ ઇન્ડિયા, ભારત રસાયન, ઇન્ડિયા પેસ્ટિસાઈડ્સ અને હેરાનબા ઇન્ડસ્ટ્રીઝ જેવી મુખ્ય લિસ્ટેડ કંપનીઓનો સમાવેશ થાય છે.
જીએસપી ક્રોપ સાયન્સની સ્થાપના 1985માં થઈ હતી. તેણે એગ્રોકેમિકલ્સના ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી છે અને તેના ઉત્પાદન પોર્ટફોલિયોમાં જંતુનાશકો, હર્બિસાઈડ્સ, ફૂગનાશકો અને પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સનો સમાવેશ થાય છે. કંપનીએ એગ્રોકેમિકલ્સ માટે 507 રજિસ્ટ્રેશન મેળવી છે અને 89 પેટન્ટ ધરાવે છે. આ ઉપરાંત, કંપની પાસે 20 ડિસેમ્બર, 2024 સુધીમાં 98 પેટન્ટ અરજીઓ પેન્ડીંગ છે.
ઇક્વિરસ કેપિટલ અને મોતીલાલ ઓસવાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સને જીએસપી ક્રોપસાયન્સના પબ્લિક ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જીએસપી ક્રોપસાયન્સનો આઇપીઓ ભારતીય રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ તક બની શકે છે, ખાસ કરીને આ કંપનીના વધતા જતા બજારને ધ્યાનમાં રાખીને એગ્રોકેમિકલ ક્ષેત્રમાં તેની સ્થિતિ મજબૂત થઈ રહી છે. કંપનીનો IPO માત્ર દેવું ચૂકવવા માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે તેની વૃદ્ધિની દિશાને પણ આકાર આપી શકે છે.
આ પણ વાંચોઃ દાલ સરોવરમાં બરફ જામવાની થઈ શરૂઆત, જૂઓ શાનદાર વીડિયો