જર્મનીની ક્રિસમસ માર્કેટમાં હુમલો! ઝડપી કાર ભીડમાં ઘૂસી, 2ના મૃત્યુ; અનેક ઘાયલ
- આ હુમલો ત્યારે થયો જ્યારે એક કાર ઈરાદાપૂર્વક બજારમાં લોકોની ભીડમાં ઘૂસી ગઈ, જેના પરિણામે અનેક લોકોના મૃત્યુ અને ઈજાઓ થઈ
મેગડેબર્ગ, 21 ડિસેમ્બર: જર્મનીના મેગડેબર્ગમાં ક્રિસમસ માર્કેટમાં થયેલા શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા બે લોકોના મૃત્યુ થયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, ક્રિસમસ માર્કેટમાં એક કારે લોકોને કચડી નાખ્યા હતા. જેના કારણે બે લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 68 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 15ને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે અન્ય 37ને સામાન્ય ઈજાઓ થઈ હતી અને 16ને હળવી ઈજાઓ થઈ હતી.
મૃતકોમાં એક બાળક પણ સામેલ
અહેવાલ અનુસાર, સરકારે બે લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. સરકારે જણાવ્યું કે, લોકપ્રિય હોલિડે માર્કેટની વચ્ચે બનેલી આ દુ:ખદ ઘટનામાં 68 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જર્મનીના ગૃહમંત્રી નેન્સી ફેસરે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
પોલીસે ડોક્ટરની ધરપકડ કરી હતી
સરકારે કહ્યું છે કે, હુમલામાં સામેલ કારના શંકાસ્પદ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કાર ચાલક વ્યવસાયે ડોક્ટર છે અને સાઉદી અરેબિયાનો વતની છે. ઘટના સમયે તે કારમાં એકલો હતો. અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે, વધુ કોઈ ખતરાના સંકેત નથી. અહેવાલ અનુસાર, ક્રિસમસ માર્કેટના તહેવારોના માહોલમાં જાનમાલની હાનિ અને અરાજકતાને કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
આ પણ જૂઓ: અમેરિકાના એટર્ની Breon Peaceનું રાજીનામું, Adani પર લગાવ્યા હતા આરોપ