રાજકોટમાં શુક્રવારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં યોજાશે તિરંગા યાત્રા, 1 લાખથી વધુ લોકો એકત્ર થશે
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા…ઘર ઘર તિરંગા’નું આયોજન કરવામાં આવ્યું છે. તા. 13થી 15 ઓગષ્ટ સમગ્ર રાજ્યમાં મકાનો, સરકારી કચેરીઓ, ઔદ્યોગિક વિસ્તારો ઉપર તેમજ શાળાઓમાં તિરંગો લહેરાશે. દરમિયાન તા. 12 ઓગષ્ટના રોજ શુક્રવારે રાજકોટમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભવ્ય તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવશે. શહેરના બહુમાળી ભવનથી રાષ્ટ્રીય શાળા સુધીના બે કિ.મી.ના વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળશે. આ તિરંગા યાત્રામાં આશરે એક લાખ લોકો ઉપસ્થિત રહેશે તેમ રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતુ.
દરમિયાન મેયર પ્રદીપ ડવ દ્વારા પત્રકારોને માહિતી આપતા તેમણે ઉમેર્યું હતુ કે, રાજકોટમાં એક લાખથી વધુ તિરંગો અત્યાર સુધીમાં વિતરણ થઇ ગયો છે જ્યારે તિરંગા યાત્રા માટે 30 હજાર ધ્વજ બહુમાળી ભવન ખાતે જિલ્લા વહિવટી તંત્ર વહેલો તે પહેલોના ધોરણે વિતરણ કરાશે. મેયરે ઉમેર્યું હતુ કે, રાજકોટમાં હજુ તિરંગાની ભારે ડિમાંડ છે. રાજ્યમાં એક માત્ર સુરત શહેરમાં જ તેનું પ્રોડકશન થઇ રહ્યું છે જેને સમગ્ર દેશમાં પહોંચાડવાના છે ત્યારે તા. 13થી શરુ થતી તિરંગાયાત્રા પૂર્વે હજુ વધારાના તિરંગા સુરતથી આવશે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, આજે રાજકોટ શહેર તેમજ જિલ્લાની વિવિધ સંસ્થાઓ, એસોસિયેશનોના 250 પ્રતિનિધિઓ સાથેની બેઠક મળી હતી તેમાં કલેકટર અરૂણ મહેશ બાબુએ તિરંગા યાત્રામાં વધુ લોકો જોડાય તે બાબત ઉપર ભાર મૂકયો હતો. વિવિધ સંસ્થાઓને, એસોસિયેશનને જનમેદની એકત્ર કરવા તાકીદ કરી હતી. તા. 12મીએ રાજકોટમાં સવારે 8 કલાકથી બહુમાળી ભવન પાસેથી તિરંગા યાત્રા નીકળશે તે યાજ્ઞિક રોડ, જાગનાથ મંદિર સહિતના રૂટ ઉપર ફરી રાષ્ટ્રીય શાળાએ પહોંચશે તેમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ જોડાશે.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે પત્રકારોને જણાવ્યું હતુ કે, વાહનચાલકો, રસ્તે અવર-જવર કરતા લોકોને ઓછી મુશ્કેલી પડે તેવી રીતે લો એન્ડ ઓર્ડરને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગનો ચૂસ્ત બંદોબસ્ત રહેશે. વિવિધ શાળા-કોલેજોના છાત્રો પણ તિરંગા યાત્રામાં જોડાશે.