કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતફૂડહેલ્થ
રાજકોટમાં ફરાળી પેટિસ ખાધી તો તુટશે તમારો શ્રાવણ મહિનાનો ઉપવાસ !!
શ્રાવણમાસ દરમિયાન શ્રધ્ધાળુઓની આસ્થા અને શ્રધ્ધા સાથે ખીલવાડ કરીને ઉપવાસ કરનારા ભાવિકોના વ્રતનો ભંગ થાય તેવી ફરાળી વાનગીઓ વેંચીને નફો રળતાં વેપારીઓની જેમ સેવા સમર્પણના નામે સસ્તી પ્રસિધ્ધિ મેળવતાં સેવાભાવિ અને સામાજિક ટ્રસ્ટો પણ હવે વેપારીઓના આવા કાળા કામમાં સામેલ થવા લાગ્યા છે. આજે મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ભક્તિનગર સર્કલમાં ગીતાનગરમાં સસ્તાભાવે ફરાળી પેટિસનું વેંચાણ કરતા સમર્પણ યુવા ચેરિટેબલ ટ્રસ્ટના મંડપ પર દરોડા પાડીને મકાઇના લોટમાંથી બનાવેલી 55 કિલો ફરાળી પેટિસ અને 40 કિલો મકાઇના લોટનો નાશ ર્ક્યો હતો. જ્યારે તેલ અને ફરાળી લોટના નમુના લીધા હતા.
મહાનગરપાલિકાએ જુદા જુદા વિસ્તારમાં હાથ ધર્યું ચેકિંગ
શ્રાવણમાસના સોમવારના વધુમાં વધુ ઉપયોગમાં લેવાતા ફરાળી ખાદ્યચીજો અંગે મહાનગરપાલિકાની ફૂડશાખા દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ગાયત્રી નગર મેઇન રોડ, જલારામ ચોક, ભક્તિનગર સર્કલ ખાતે મંડપ રાખીને સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફરાળી પેટિસનું વેચાણ કરતા વેપારીને ત્યાં તથા તેના ઉત્પાદન સ્થળ ગીતા નગર-6, ખોડિયાર કૃપામાં તપાસ હાથ ધરી હતી. આ ચેકિંગ વખતે સ્થળ પર EVERSTAR” MAIZE STARCH POWDER FOR INDUSTRIAL USE ONLY લેબલ છાપેલ મકાઇ-સ્ટાર્ચનો ઉપયોગ ફરાળી પેટિસ બનાવવા માટે કરતા હોવાનું જોવા મળ્યું હતું. ઉપયોગમાં લેવામાં આવતુ CITRIC ACID પણ FOR CHEMICAL ONLY છાપેલ વાળું વાપરતા જોવા મળ્યું હતું. ઉત્પાદન સ્થળે પક્ષીઓ પણ ખાદ્યચીજની બાજુમાં રાખેલ જોવા મળ્યા હતા. તળવામાં ઉપયોગમાં રહેલ તેલની TPC VALUE 25ને બદલે 36 જોવા મળી હતી.
મકાઇના સ્ટાર્ચવાળી 55 કિલો ફરાળી પેટીસનો નાશ કરવામાં આવ્યો
આથી ફૂડ શાખાએ સ્થળ પરથી મકાઇના સ્ટાર્ચવાળી 55 કિલો ફરાળી પેટીસનો નાશ ર્ક્યો હતો. જ્યારે પેટીસ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતો ફરાળી લોટ (લુઝ) અને તળવામાં ઉપયોગમાં લેવાયેલા તેલનો નમૂનો લેવામાં આવ્યો હતો. અને હાઇજેનિક કંડિશન જાળવવા તથા ફૂડ લાઇસન્સ લેવા અંગે નોટીસ આપવામાં આવી હતી.