મેરઠમાં શિવ મહાપુરાણની કથા દરમિયાન નાસભાગ, અનેક મહિલાઓ ઘાયલ
મેરઠ, 20 ડિસેમ્બર, 2024: મેરઠમાં શિવ મહાપુરાણની કથા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. કથા સ્થળે નાસભાગ થતાં અનેક મહિલાઓ કચડાઈને ઈજાગ્રસ્ત થઈ હોવાના અહેવાલ છે.
પંડિત પ્રદીપ મિશ્રાની કથા ચાલી રહી હતી તે સમયે આ ઘટના બની હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. મળતા અહેવાલો મુજબ પંડિત પ્રદીપ મિશ્રાની આ શિવ મહાપુરાણ કથા પરતાપુરના શતાબ્દી નગરમાં ચાલી રહી હતી. કથા સાંભળવા ઘણી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને એ સમયે ધક્કામુક્કી થતાં નાસભાગ શરૂ થઈ ગઈ હતી. નાસભાગ થતાં કેટલીક મહિલાઓ પડી ગઈ હતી અને લોકો તેમના ઉપરથી દોડાદોડ ભાગી રહ્યા હતા. આ ઘટનામાં પ્રાથમિક અહેવાલ મુજબ ઓછામાં ઓછી ચાર મહિલાઓ ઘાયલ થઈ છે. જોકે, સંખ્યા વધવાની પૂરી શક્યતા છે. હજુ સુધી કોઈના મૃત્યુના અહેવાલ નથી.
સ્થાનિક પોલીસ અધિકારીઓએ મીડિયાને માહિતી આપી કે, પંડિત પ્રદીપ મિશ્રાની કથાનો આજે છઠ્ઠો અને છેલ્લો દિવસ હતો. શ્રદ્ધાળુઓની ભીડ વધી જતાં ગેટ ઉપર અંદર પહોંચવા માટે અંધાધૂંધી થઈ ગઈ હતી જેને કારણે ધક્કામુક્કી થઈ હતી. એ સ્થિતિથી બચવા લોકો નાસભાગ કરવા લાગ્યા જેમાં કેટલાક લોકો પડી જતાં તેમને ઈજાઓ થઈ છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે અને હાલ સ્થિતિ સામાન્ય હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.