બે વર્ષ બાદ આવ્યું બાલારામ નદીમાં પાણી
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર થી આબુરોડ હાઇવે પર 12 કિલોમીટરના અંતરે બાલારામ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર મહાભારતના સમયનું એટલે કે 5000 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. મંદિરની આગળના ભાગમાં બાલારામ નદી આવેલી છે. આ જગ્યાને મીની કાશ્મીર તરીકે પણ લોકો જાણે છે. મંદિરમાં મહાદેવજીના શિવલિંગ ઉપર સ્વયંભૂ અવિરત જળધારાનો અભિષેક થતો રહે છે. એવું કહેવાય છે કે, પાંડવો પણ આ સ્થળની મુલાકાતે આવી અને અહીંયા રોકાણ કર્યું હતું. બાલારામ નદી માં પાણી બે વર્ષ પછી આવ્યું છે.જેને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પવિત્ર શ્રાવણ માસના સોમવારના દિવસે થયેલા ભારે વરસાદથી આજુબાજુના અરવલ્લીના પર્વતીય વિસ્તારમાંથી વરસાદી પાણી નદીમાં આવતા આ નદી જીવંત બની હતી. અત્યારે તેની આજુ-બાજુ ચારે તરફ હરિયાળી જોવા મળી રહી છે. નજીકમાં આવેલા ધારમાતા પાસેથી પણ આ બાલારામ નદીનું પાણી બાલારામ મહાદેવના મંદિર પાસે આવે છે. શ્રાવણ માસમાં બાલારામમાં શિવભક્તો અને પ્રવાસીઓ મોટાભાગે પિકનિક મનાવવા આવતા હોય છે. બે વર્ષ બાદ નદીમાં આવેલા પાણીથી આજુબાજુના વિસ્તારના લોકો અને પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.