ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: ઘુમા-શીલજમાં રેલવે ઓવરબ્રિજને લઈને ચોંકાવનારી વાત બહાર આવી

  • ઓવરબ્રિજે ઔડા અને મ્યુનિસિપલ કૉર્પોરેશનની બેદરકારીની પોલ ખુલ્લી પાડી
  • 80 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા ઓવરબ્રિજને છેડે રસ્તો જ નથી
  • બ્રિજ કરોડોના ખર્ચે તૈયાર તો થયો પણ વાહનચાલકોને હજુ રાહ જોવી પડશે

અમદાવાદના ઘુમા-શીલજમાં રેલવે ઓવરબ્રિજને લઈને ચોંકાવનારી વાત બહાર આવી છે. જેમાં ઘુમા-શીલજ ઓવરબ્રિજના છેડે રસ્તો નહીં, સીધેસીધી દીવાલ સામે આવી ગઇ છે.

80 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા ઓવરબ્રિજને છેડે રસ્તો જ નથી

ઉલ્લેખનીય છે કે 80 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા ઓવરબ્રિજને છેડે રસ્તો જ નથી. આ બ્રિજના છેવાડે રહેણાંક વિસ્તારની દીવાલ છે, જેથી ઓવરબ્રિજ પરથી પસાર થનારા વાહનચાલકો આગળ કેવી રીતે જશે એ સવાલ ઊભો થયો છે. એટલું જ નહીં, આ ઓવરબ્રિજને જોતાં ઔડાની ઇજનેરી કુશળતા છતી થઈ છે. છેલ્લાં પાંચેક વર્ષથી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. રેલવે ઓવરબ્રિજની 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હવે જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવાનો સમય આવ્યો ત્યારે જ બ્રિજ નિર્માણની કામગીરી અટકી પડી છે. તેનું કારણ છે કે, બ્રિજના છેડે જઈ શકાય તેવી કોઈ સ્થિતિ જ નથી.

ઓવરબ્રિજે ઔડા અને મ્યુનિસિપલ કૉર્પોરેશનની બેદરકારીની પોલ ખુલ્લી પાડી

શીલજ તરફ જવા માટે બ્રિજ પૂરો થાય તે પછી 30 ફૂટના અંતરે દીવાલ છે. આગળ જવાનો કોઈ રસ્તો જ નથી. પરિણામે વાહનો કેવી રીતે અવરજવર કરશે તે પ્રશ્ન છે. બ્રિજ પૂરો થયા બાદ માત્રને માત્ર 10-12 ફૂટનો સાંકડો રસ્તો છે, જેથી બ્રિજ પરથી શીલજ તરફ વાહનો કેવી રીતે જશે તે મોટો પ્રશ્ન છે. આ ઓવરબ્રિજે ઔડા અને મ્યુનિસિપલ કૉર્પોરેશનની બેદરકારીની પોલ ખુલ્લી પાડી છે.

બ્રિજ કરોડોના ખર્ચે તૈયાર તો થયો પણ વાહનચાલકોને હજુ રાહ જોવી પડશે

અણધડ આયોજનને કારણે હવે રેલવે ઓવરબ્રિજ શરુ થઈ શકે તેમ નથી. અધિકારીઓનું કહેવું છે કે, શીલજ તરફ જવા માટે 45 મીટરના રોડ માટેની પ્રક્રિયા કરવા ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા સૂચના અપાઈ હતી તેમ છતાં હજુ સુધી કોઈ ઠેકાણા નથી. મહત્ત્વની વાત તો એ છે કે, બ્રિજના છેવાડાનો ભાગ એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે તેવું પણ જાણવા મળ્યું છે, ત્યારે રોડ માટે ઝોનમાં પણ ફેરફાર કરવો પડે તેમ છે. આ ઝોન ફેરફાર માટેની પ્રક્રિયા પછી રોડ બની શકશે. આ જોતાં ઘુમા-શીલજ બ્રિજ કરોડોના ખર્ચે તૈયાર તો થઈ ગયો છે પણ હવે વાહનચાલકોને તે ઉપયોગી બને તે માટે હજુ રાહ જોવી પડશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ઠંડી વધી, જાણો કયા શહેરમાં બરફીલા ઠંડા પવનથી શહેરીજનો ધ્રુજ્યા 

Back to top button