ગુજરાતમાં ઠંડી વધી, જાણો કયા શહેરમાં બરફીલા ઠંડા પવનથી શહેરીજનો ધ્રુજ્યા
- ગામડાઓ સાથે હવે શહેરોમાં પણ ઠંડીએ જોર પકડ્યુ
- ઠંડીનો પારો નીચે ઉતરીને 9.6 ડિગ્રીએ સ્થિર થયો
- પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 30થી 35 કિ.મી ની ઝડપે રહી
ગુજરાતના વિવિધ વિસ્તારમાં ઠંડી વધી રહી છે. તેમજ ગામડાઓ સાથે હવે શહેરોમાં પણ ઠંડીએ જોર પકડ્યુ છે. ત્યારે જામનગર જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે, અને હાડ થીજાવતી ઠંડી પડી રહી છે.
ઠંડીનો પારો નીચે ઉતરીને 9.6 ડિગ્રીએ સ્થિર થયો
ઠંડીનો પારો નીચે ઉતરીને 9.6 ડિગ્રીએ સ્થિર થતાં મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. સાથો સાથ પ્રતિ કલાકના 30 થી 35 કિ.મી ની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ પક્ષીઓને પણ ધ્રુજાવ્યા છે. સાંજથી મોસમની ઠંડીનો મિજાજ જોવા મળ્યો હતો, અને શહેરીજનોએ વહેલાસર ઘરની વાટ પકડી લીધી હોવાથી માર્ગો સુમસામ જોવા મળ્યા હતા.
પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 30થી 35 કિ.મી ની ઝડપે રહી
શહેરના જાહેર સ્થળો પર પણ લોકોની પાંખી હાજરી જોવા મળતી હતી, જયારે કેટલાક લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા, અથવા તો તાપણાંનો આશરો લીધો હતો. ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન ઠંડા પવનને લીધે ધ્રુજારી અનુભવાઇ હતી. જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા પ્રમાણે 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 9.6 ડિગ્રી સેન્ટિગ્રેડ જયારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતુ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 રહ્યું હતું, જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 30થી 35 કિ.મી ની ઝડપે રહી હતી.