Lookback 2024ગુજરાતટ્રેન્ડિંગનેશનલબિઝનેસમનોરંજનમીડિયાવર્લ્ડવિશેષસંવાદનો હેલ્લારોસ્પોર્ટસ

Look Back 2024: ભારતના પર્સન ઑફ ધ યર કોણ ગણાય? લોકપ્રિયતાની ટોચ પર કોણ?

નવી દિલ્હી, ડિસેમ્બર 2024: Look Back 2024 ભારતના પર્સન ઑફ ધ યર કોણ ગણાય? લોકપ્રિયતાની ટોચ પર કોણ? અમેરિકાનું ટાઈમ મેગેઝિન દર વર્ષે ડિસેમ્બરના અંકમાં વિશ્વના કોઈ એક વગદાર નેતા અથવા ઉદ્યોગપતિ અથવા સેલિબ્રિટી અથવા સ્પોર્ટ્સ પર્સન – જે સમગ્ર વર્ષ દરમિયાન સૌથી વધુ સમાચારમાં છવાયેલા રહ્યા હોય અથવા જેમને કારણે કોઈ મોટું પરિવર્તન આવ્યું હોય તેને પર્સન ઑફ ધ યર જાહેર કરે છે. એ જાહેર થતાંની સાથે દુનિયાભરના મીડિયા તેની નોંધ પણ લે છે. આમ તો દેશમાં આવી કોઈ પ્રથા નથી. વિવિધ મીડિયા પોતપોતાની રીતે આવું આકલન કરે છે. તો એ હિસાબે HDNewsએ પણ આવો એક પ્રયાસ કર્યો.

આ માટે અમે રાજકારણ, બિઝનેસ, રમતજગત, ફિલ્મ ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જેવા કે, યોગી આદિત્યનાથ, અમિત શાહ, રાહુલ ગાંધી, પ્રિયંકા વાડરા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, આનંદ મહિન્દ્રા, રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, ગુકેશ દોમરરાજુ (ચેસ ચેમ્પિયન), રણવીર સિંહ, અલ્લુ અર્જુન વગેરે વિશે સંશોધન કર્યું.

દેશમાં રાજકીય ક્ષેત્રમાં આ વર્ષે મોદી-શાહ-યોગી ચર્ચામાં રહ્યા છે અને લોકપ્રિય પણ રહ્યા છે. તો સામે રાહુલ ગાંધીએ પણ ભારત જોડો યાત્રા કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ વખતની લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ પક્ષે તેમને વિરોધ પક્ષના નેતા બનાવ્યા. તો તેમનાં બહેન પ્રિયંકા વાડરા પણ આ વર્ષે સતત સમાચારમાં રહ્યાં છે. લોકસભા અને ત્યારબાદ યોજાયેલી કેટલાંક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પ્રિયંકા વાડરાનાં નિવેદનોનો જવાબ આપવાનું ભાજપને ભારે પડતું હતું. તેઓ ઘણા લાંબા સમયથી રાજકીય રીતે સક્રિય હોવા છતાં ચૂંટણીના રાજકારણમાં પ્રથમ વખત પ્રવેશ્યાં છે અને કેરળની વાયનાડ બેઠક ઉપર ચૂંટાઈ આવ્યાં છે. હવે લોકસભામાં પણ તેમનાં ભાષણો મીડિયાનું ધ્યાન ખેંચે છે.

બિઝનેસ ક્ષેત્રમાં આ વર્ષે મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણીના લગ્નને કારણે સૌથી વધુ મીડિયામાં છવાયેલા રહ્યા. ખાસ કરીને તેમના વતન જામનગરમાં પ્રી-વેડિંગ ઈવેન્ટ દરમિયાન બંને પિતા-પુત્ર સહિત પરિવારના આન્ય સભ્યો જામનગરની આસપાસના સામાન્ય લોકોને ભોજન પીરસતાં અને પ્રેમથી ભોજન કરાવતાં જોવા મળ્યા હતા.

જોકે, એથી વિરુદ્ધ ગૌતમ અદાણી અલગ રીતે સમાચારમાં રહ્યા. આ વર્ષ દરમિયાન વિદેશી એજન્સી હિંડનબર્ગે બે વખત ગૌતમ અદાણીને નિશાન બનાવીને તેમને ગંભીર આર્થિક નુકસાન કરવાના પ્રયાસ કર્યા. જોકે બંને વખત અદાણી હેમખેમ બહાર આવ્યા. જોકે, છેલ્લે આંતરરાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રવાદી સરકારનો ઉથલાવવા માટે કુખ્યાત એવા જ્યોર્જ સોરોસના ફંડિંગથી ચાલતા એક મીડિયા હાઉસ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) નામના સમાચાર પોર્ટલે અદાણીની કંપનીઓએ કોન્ટ્રેક્ટ મેળવવા માટે જંગી લાંચ આપી હોવાનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. ત્યારબાદ વિરોધ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસે સંસદમાં આ મુદ્દે હજુ પણ હોબાળો મચાવવાનું ચાલુ રાખ્યું છે. 2024ના વર્ષ દરમિયાન ત્રીજા એક ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સાવ અલગ રીતે મીડિયામાં છવાયેલા રહ્યા છે. આનંદ મહિન્દ્રા તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર સતત સક્રિય રહે છે અને દેશ અને દુનિયામાં જ્યાં પણ હકારાત્મક વીડિયો જોવા મળે તેને પોતાના હેન્ડલ ઉપર શૅર કરે છે અને એ રીતે ભારતના લોકોને માહિતગાર રાખે છે. તેમના આવા શૅરિંગની લગભગ મોટાભાગના મીડિયા પણ તરત જ નોંધ લે છે. અહીં ચોથા એક ઉદ્યોગપતિનો ઉલ્લેખ કરવો જોઇએ. એ છે ઈન્ફોસિસના વડા એન.આર. નારાયણ મૂર્તિ. તેમણે થોડા મહિના પહેલાં એવું નિવેદન કર્યું હતું કે, ભારતમાં લોકો અઠવાડિયામાં ઓછા કલાક કામ કરે છે એ યોગ્ય નથી. ભારતીયોએ અઠવાડિયામાં ઓછામાં ઓછા 70 કલાક તો કામ કરવું જ જોઇએ. તેમના આ નિવેદન બાદ દેશમાં અનેક જગ્યાએ, અનેક સ્તરે આ વિશે ચર્ચા જાગી હતી. ઘણા લોકોએ નારાયણ મૂર્તિના અભિપ્રાયને સમર્થન આપ્યું હતું જ્યારે ઘણા લોકોએ અસંમતિ પણ વ્યક્ત કરી હતી. કેટલાક લોકો એવા પણ હતા જેમણે ઈન્ફોસિસના ઉદ્યોગપતિના અભિપ્રાયને યોગ્ય રીતે સમજ્યા વિના તેમની મજાક પણ ઉડાવી હતી.

આ વર્ષે રમતગમતમાં પરંપરા મુજબ ક્રિકેટની રમત છવાયેલી રહી. આ વર્ષની IPL અને ત્યારબાદ આગામી વર્ષની IPL માટેની હરાજીના સમાચારમાં મોટાભાગના લોકોને રસ પડ્યો. પેરિસમાં રમાયેલી ઓલિમ્પિક પણ ચર્ચામાં રહી, ખાસ કરીને ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને કારણે. વિનેશ ફોગટ તેના વજનને કારણે ફાઇનલ માટે ક્વોલિફાય નહીં થઈ શકતા આંતરરાષ્ટ્રીય મુદ્દો બની ગયો હતો. ભારતમાં તો એ મુદ્દે ભારે રાજકારણ પણ રમાયું અને પેરિસથી પરત આવ્યા બાદ વિનેશ ફોગટે તેની એ ચર્ચાસ્પદ ઘટનાને વટાવવા રાજકારણમાં ઝંપલાવી દીધું અને હરિયાણામાં વિધાનસભામાં MLA તરીકે ચૂંટાઈ આવી. આ ઉપરાંત આ વર્ષ ભારતીય ચેસ માટે ગૌરવવંતુ બની રહ્યું. ભારતના રમેશબાબુ પ્રજ્ઞાનંદ તથા ગોકેશ ડોમરાજુ આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધાઓમાં હરીફોને હરાવીને ચેમ્પિયન બન્યા.

છેવટે વાત આવીને અટકી નરેન્દ્ર મોદી ઉપર! વર્તમાન સંજોગોમાં, માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં કોઈ એક વ્યક્તિની સૌથી વધુ બોલબાલા હોય તો એ નરેન્દ્ર મોદી છે એવું નિવેદન બેધડક રીતે થઈ શકે. નરેન્દ્ર મોદીને શા માટે ભારતના પર્સન ઑફ યર ગણવા જોઈએ? આવો પ્રશ્ન દરેકના મનમાં થાય. તો આવાં તારણ ઉપર આવવાનાં કારણો છે. રાજકીય ક્ષેત્રમાં તો નરેન્દ્ર મોદીની તોલે કોઈ નથી એવું તેમના સતત ત્રીજી વખત થયેલા વિજય ઉપરાંત રાજ્યોમાં તેમના નામે તેમના પક્ષ ભાજપને મળેલી સફળતા જેવાં કારણો ગણી શકાય. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મોદીનો પ્રભાવ વધી રહ્યો છે એવું વિવિધ વૈશ્વિક બેઠકો દરમિયાન જોવા મળ્યું છે. ઓસ્ટ્રેલિયના વડાપ્રધાન મોદીનો બૉસ ગણાવે છે તે આફ્રિકન દેશના વડા મોદીને ચરણસ્પર્શ કરીને સન્માન આપે છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના શાસનનું આ 11મું વર્ષ છે અને આ વર્ષે પણ મુસ્લિમ દેશો સહિત કેટલાક દેશોએ તેમના સર્વોચ્ચ સન્માનથી મોદીને નવાજ્યા હતા. રશિયા અને યુક્રેનના પ્રમુખો જાહેરમાં કહી ચૂક્યા છે કે તેમની વચ્ચેનું યુદ્ધ માત્ર નરેન્દ્ર મોદી અટકાવી શકે તેમ છે. ગ્લોબલ સાઉથ અર્થાત વિકાસશીલ દેશોએ તો છેલ્લા થોડાં વર્ષમાં નરેન્દ્ર મોદીને ડીફ્ક્ટો નેતા માની લીધા હોય એવું વિવિધ આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ગ્લોબલ સાઉથના નેતાઓનાં નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે. આ વર્ષે એક નોંધપાત્ર બાબત એ પણ બની કે સોશિયલ મીડિયા X ઉપર દુનિયાના કોઈપણ રાજકીય નેતા કરતાં વધુ ફોલોઅર મોદીના થઈ ગયા છે. X ઉપર નરેન્દ્ર મોદીના ફોલોઅરની સંખ્યા એક કરોડનો આંકડો પાર કરી ગઈ છે. આ વર્ષ દરમિયાન ભારતની વિવિધ ભાષાઓમાં સૌથી વધુ પુસ્તકો પણ મોદી વિશે લખાયાં છે.

આ પણ વાંચોઃ Lookback 2024:રાજકીય પીચ પર આ વર્ષ રહ્યું ચોંકાવનારું, LSથી લઈને મહારાષ્ટ્ર-ઝારખંડ સુધીનાં પરિણામોએ કર્યા ચકિત

Look Back 2024 શ્રેણીના તમામ માહિતી સભર સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>

https://www.humdekhenge.in/lookback-2024/

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button