અમદાવાદ/ જીવલેણ અકસ્માતો અને અવસાનમાં 25 ટકાનો ઘટાડો, હર્ષ સંઘવીએ આપી જાણકારી
અમદાવાદ, 18 ડિસેમ્બર 2024 : અમદાવાદમાં પ્રતિદિન રોડ અકસ્માતોના સમાચારો આવી રહ્યાં છે. 2023ના આંકડાઓની વાત કરીએ તો 465 જેટલા જીવલેણ અકસ્માતો નોંધાયા હતા. જેમાં 484 લોકોના અવસાન થયા હતા. જોકે અમદાવાદ પોલીસ દ્વારા કેટલાક અભિયાન હાથ ધરવામાં આવ્યા હતા જેના પગલે 2024માં જીવલેણ અકસ્માતો ઘટ્યા છે. આ વર્ષે 348 જીવલેણ અકસ્માતો નોંધાયા છે તથા 363 લોકોના અવસાન થયા છે. પોલીસ દ્વારા આ વર્ષે 11 મહિનામાં હેલ્મેટ ન પહેરવાના 7.24 લાખ અને ઓવરસ્પીડના 96 હજાર જેટલા કેસ ઝડપ્યા છે. જે અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર(x)માં માહિતી આપી છે.
અકસ્માતો અને અવસાનના કેસો ઘટ્યા
સોશિયલ મીડિયા એકાઉન્ટમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા શેર કરવામાં આવેલી કેટલીક માહિતી અનુસાર, ગયા વર્ષે 2023માં 1 જાન્યુઆરીથી 30 નવેમ્બર સુધીમાં ફેટલ અકસ્માત 465, ગંભીર અકસ્માત 598, નાના અકસ્માત 249 મળીને કુલ 1312 અકસ્માતો નોંધાયા હતા. જેની સરખામણીએ આ વર્ષે 2024માં 1 જાન્યુઆરીથી 30 નવેમ્બર સુધીમાં 348 ફેટલ અકસ્માત નોંધાયા જેમાં ગયા વર્ષ કરતા 117નો ઘટાડો, મોટા અકસ્માત 642 જેમાં 44નો વધારો, નાના અકસ્માત 220 જેમાં 29નો ઘટાડો અને કુલ અકસ્માત 1210 જેમાં 102નો ઘટાડો નોંધાયો છે. ટકાવારીની દૃષ્ટિએ ફેટલ અકસ્માતમાં 25.16 ટકાનો ઘટાડો નોંધાયો છે.
અન્ય શેર કરવામાં આવેલા કેટલાક આંકડાઓ પર જો નજર ફેરવીએ તો ગયા વર્ષે 1 જાન્યુઆરીથી 30 નવેમ્બર 2023 સુધીમાં 484 અવસાન, ગંભીર ઇજા 665, સામાન્ય ઇજા 548ના કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ આ વર્ષે 1 જાન્યુઆરીથી 30 નવેમ્બર 2024 દરમિયાન 363 મોત ગયા વર્ષ કરતા 121નો ઘટાડો, ગંભીર ઇજાઓ 721 જેમાં 56નો વધારો, સામાન્ય ઇજાના 466 કેસ જેમાં 82નો ઘટાડો નોંધાયો છે. ટકાવારીની દૃષ્ટિએ જોઇએ તો અકસ્માતોની ઘટનામાં મોતના કિસ્સામાં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે.
Significant Reduction in Fatal Accidents in Ahmedabad City!
Check out this chart to see the drastic decrease in fatal accidents despite the city’s rapid growth!@AhmedabadPolice pic.twitter.com/U7nPKyXKIx
— Harsh Sanghavi (@sanghaviharsh) December 18, 2024
હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં જણાવ્યું છેકે, રસ્તાઓ પર શોર્ટકટ માટે ગેરકાયદે રીતે કરવામાં આવેલા કટને બંધ કરીને પણ જીવલેણ અકસ્માતો રોકવામાં સફળતા મળી છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ મહાનગર પાલિકા, ઔડાને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રજૂઆત કરી હતી અને મહત્ત્વના કોરિડોર પર આ પ્રકારના 13 જેટલા કટ બંધ કરવામાં આવ્યા હતા.
હેલમેટ નહીં પહેરનારાઓ પર ધ્યાન
હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છેકે અમે હેલ્મેટ ફરજીયાત અને ઓવરસ્પીડિંગ કેસો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સ્પીડ ગનનો ઉપયોગ કરીને વ્યૂહાત્મક રીતે 6 હજાર ટકા વધુ કેસો નોંધ્યા છે. તેમણે આપેલી વિગતો અનુસાર, અમદાવાદમાં ગત 11 મહિનામાં હેલ્મેટ કાયદાના ભંગના 724436 કેસ નોંધાયા છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 6431.74 ટકાનો વધારો થયો છે. જ્યારે સીટ બેલ્ટના 70763 કેસ નોંધાયા છે. જે ગયા વર્ષ કરતા 83.49 ટકા, પાર્કિંગના કાયદાના ભંગના કેસોમાં 210.03 ટકા, ત્રણ સવારીના કેસોમાં 1295.93 ટકા અને ઓવર સ્પીડિંગના કેસમાં 108.02 ટકાનો વધારો થયો છે.
આ ઉપરાંત જીવલેણ અકસ્માતો ઘટાડવામાં શિક્ષણ અને જાગરૂકતા અભિયાનોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. નાગરિકોને માર્ગ સલામતી અને હેલ્મેટ પાલનના મહત્વ વિશે શિક્ષિત કરીને, અમે વધુ સુરક્ષિત અને વધુ જવાબદાર સમુદાય બનાવી શકીએ છીએ!
આ પણ વાંચો : ડો.આંબેડકર મુદ્દે અમિત શાહના બચાવમાં ઉતર્યા PM મોદી, Tweet કરી કોંગ્રેસને આડેહાથ લીધી
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં