Make in India ની સૌથી મોટી સિદ્ધિ, US નેવીનું જહાજ ભારતમાં રિપેરિંગ માટે આવ્યું
ભારત અને અમેરિકા વચ્ચે એપ્રિલ મહિનામાં રક્ષા સંબંધિત બેઠકો થઈ હતી જેના સકારાત્મક પરિણામો આવી રહ્યા છે. એપ્રિલમાં બંને દેશોના રક્ષામંત્રી અને વિદેશ મંત્રીઓની બેઠક થઈ હતી અને તેના પરિણામ સ્વરૂપ ઈતિહાસમાં પહેલી વખત અમેરિકા નૌસેનાનું કોઈ જહાજ રિપેરિંગ માટે ભારત આવી રહ્યું છે. અમેરિકા નૌસેનાના આ જહાજનું રિપેરિંગનું કામ ભારતની L&T કંપનીના તમિલનાડુ શિપયાર્ડમાં કરવામાં આવશે.
અમેરિકન જહાજ 11 દિવસમાં રિપેર થશે
આ ઐતિહાસિક ઘટના એવા સમયે બની છે જ્યારે એશિયામાં ચીનની આક્રમક સૈન્ય ગતિવિધિઓ નવા શિખરે પહોંચી છે. ચીનની હરકતોને જોતા ભારત અને અમેરિકા વિવિધ ક્ષેત્રોમાં સંરક્ષણ સહયોગ વધારવા માટે સહમત થયા છે. આ નવા સોપાનમાં યુએસ નેવી જહાજ ચાર્લ્સ ડ્રુ (Charles Drew) રિપેરિંગ માટે ભારત આવ્યું છે. આ જહાજનું રિપેરિંગ કામ અને અન્ય સંબંધિત કામ કટ્ટુપલ્લી ખાતેના L&Tના શિપયાર્ડમાં કરવામાં આવશે, જેમાં 11 દિવસનો સમય લાગવાનો અંદાજ છે. આગામી સમયમાં વધુ અમેરિકન જહાજો રિપેરિંગ માટે ભારતમાં આવી શકે છે.
મેક ઇન ઇન્ડિયાને મોટું પ્રોત્સાહન મળે છે
યુએસ નેવીના આ જહાજના રિપેરિંગ માટે ભારત આવવું એ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા’ તરફનું એક મોટું પગલું માનવામાં આવે છે. શિપ રિપેરિંગ માર્કેટમાં ભારતીય શિપયાર્ડ્સનો હસ્તક્ષેપ ઝડપથી વધી રહ્યો છે. ભારતીય શિપયાર્ડ અદ્યતન મેરીટાઇમ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોસાય તેવા ખર્ચે શિપ રિપેર અને મેઇન્ટેનન્સ સોલ્યુશન્સની વિવિધ શ્રેણી ઓફર કરે છે. આ કારણે ભારતીય શિપયાર્ડને વૈશ્વિક બજારમાં પસંદગી મળી રહી છે. L&T ના શિપયાર્ડને યુએસ નેવી તરફથી ટેન્ડર મળવું એ તેનો મોટો પુરાવો છે.
ઝડપથી વિકસતો શિપબિલ્ડીંગ ઉદ્યોગ
સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમારે તેને ભારતીય શિપયાર્ડ ઉદ્યોગ અને ભારત-યુએસ સંરક્ષણ સંબંધો માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો. તેમણે કહ્યું, ‘અમે યુએસ નેવી જહાજ ચાર્લ્સ ડ્રૂનું ભારતમાં સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ. ભારતમાં શિપબિલ્ડિંગ ઉદ્યોગ પરિપક્વ થઈ રહ્યો છે. આજે ભારતમાં 6 મોટા શિપયાર્ડ છે, જેનું ટર્નઓવર લગભગ 2 બિલિયન ડોલર છે. અમે ફક્ત અમારી જરૂરિયાતો માટે જહાજો બનાવતા નથી. અમારી પાસે અમારા પોતાના ડિઝાઇન હાઉસ છે, જે તમામ પ્રકારના અત્યાધુનિક જહાજોનું ઉત્પાદન કરવામાં સક્ષમ છે. દેશનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત એ ભારતીય શિપબિલ્ડીંગ ઉદ્યોગના વિકાસનું જીવંત ઉદાહરણ છે.