ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

Palestine લખેલી બેગ સાથે સંસદમાં આવવા બદલ પ્રિયંકા ગાંધીના પાકિસ્તાનમાં વખાણ

  • પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ પ્રિયંકા ગાંધીની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી

નવી દિલ્હી, 17 ડિસેમ્બર: વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી સોમવારે Palestine લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા હતા. જે બાદ હવે પાકિસ્તાનમાં પણ તેના આ પગલાના વખાણ થઈ રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ હસન ચૌધરીએ પ્રિયંકા ગાંધીની આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી છે અને લખ્યું કે, પાકિસ્તાનની સંસદમાં આવી હિંમત કોઈ બતાવી શક્યું નથી. પ્રિયંકા ગાંધીની આ બેગને લઈને ભારતમાં રાજકીય માહોલ ગરમાયો છે.

 

શું કહ્યું ફવાદ ચૌધરીએ?

પાકિસ્તાની નેતા ફવાદ ચૌધરીએ લખ્યું છે કે, ‘જવાહરલાલ નેહરુ જેવા મહાન સ્વતંત્રતા સેનાનીના પૌત્રી પાસેથી આપણે બીજી શું અપેક્ષા રાખી શકીએ? પ્રિયંકા ગાંધી વામન લોકો વચ્ચે પોતાનું મોટું કદ દેખાડ્યું છે, શરમજનક બાબત છે કે આજ સુધી પાકિસ્તાની સંસદના કોઈ સભ્યે આવી હિંમત દાખવી નથી.

પ્રિયંકા ગાંધી સંસદ પહોંચ્યા હતા

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે પેલેસ્ટાઈનના લોકો પ્રત્યે સમર્થન અને એકતા દર્શાવતા “Palestine” લખેલી હેન્ડબેગ લઈને સંસદ પહોંચ્યા હતા. કોંગ્રેસના મહાસચિવ અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી અવાર-નવાર ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહી સામે અવાજ ઉઠાવી રહ્યા છે.

પ્રિયંકા ગાંધી સંસદમાં જે બેગ લઈને ગયા હતા તેના પર “Palestine” લખેલું હતું અને તરબૂચ જેવા પેલેસ્ટિનિયન પ્રતીકો પણ હતા, જે પેલેસ્ટિનિયન એકતાનું પ્રતીક માનવામાં આવે છે. તરબૂચ પેલેસ્ટિનિયન સંસ્કૃતિનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. કાપેલા તરબૂચની તસવીર અને ઈમોજીનો ઉપયોગ ઘણીવાર પેલેસ્ટાઈનના લોકો સાથે એકતા દર્શાવવા માટે થાય છે.

હકીકતમાં, પ્રિયંકા ગાંધી પેલેસ્ટાઈન અને ગાઝાના પીડિતો માટે અવાર-નવાર અવાજ ઉઠાવી રહ્યા છે. આ વર્ષે ઓક્ટોબરમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને એક વર્ષ વીતી ગયા બાદ પણ પ્રિયંકા ગાંધીએ ઇઝરાયેલ પર નિશાન સાધ્યું હતું. ગાઝામાં વધી રહેલા મૃત્યુ વચ્ચે પ્રિયંકા ગાંધીએ ઈઝરાયેલ પર પ્રહાર કર્યો હતો. ગાઝા પર દરેક આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા પ્રિયંકાએ કહ્યું હતું કે, 7000 લોકોની હત્યા બાદ પણ હિંસાની પ્રક્રિયા અટકી નથી. તેમાંથી 3,000 માસૂમ બાળકો હતા. વાયનાડમાં ચૂંટણી લડતી વખતે પણ પ્રિયંકા ગાંધીએ પેલેસ્ટાઈનનો મુદ્દો સતત ઉઠાવ્યો હતો.

ભાજપ પર નિશાન સાધ્યું

પ્રિયંકા ગાંધીની Palestine બેગ મુદ્દે ભાજપના નેતા અને સાંસદ સંબિત પાત્રાએ કહ્યું હતું કે, ગાંધી પરિવાર હંમેશા તુષ્ટિકરણની બેગ લઈને આવ્યો છે અને ચૂંટણીમાં તેમની હારનું કારણ તુષ્ટિકરણની બેગ જ છે. તાજેતરમાં, નવી દિલ્હીમાં પેલેસ્ટાઈન દૂતાવાસના પ્રભારી અબેદ એલરાઝેગ અબુ જાજરે પ્રિયંકા ગાંધીની મુલાકાત કરી હતી અને તાજેતરની વાયનાડ ચૂંટણીની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. જૂનમાં પ્રિયંકા ગાંધીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ટીકા કરી હતી અને ગાઝામાં ઈઝરાયેલ સરકારની કાર્યવાહીને “નરસંહાર” તરીકે ગણાવી હતી.

આ પણ જૂઓ: અંબાણી-અદાણીને તગડો ઝટકો! 100 અબજ ડૉલરની ક્લબમાંથી થયા બહાર

Back to top button