શેરબજારમાં સતત બીજા દિવસે સુસ્તી, સેન્સેકસ-નિફટીમાં નોંધાયો ઘટાડો
મુંબઈ, 17 ડિસેમ્બર : શેરબજારમાં મંગળવારે સતત બીજા દિવસે નબળી શરૂઆત રહી છે. BSE સેન્સેક્સ 273.82 પોઈન્ટ ઘટીને 81,474.75 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે NSE નિફ્ટી પણ 74.60 પોઈન્ટના ઘટાડા સાથે 24,593.65 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચી સપાટીએ પહોંચવા અને વૈશ્વિક બજારોમાં વેચવાલીની અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે. જો ઘટતા શેરો પર નજર કરીએ તો, SUNPHARMA, HINDUNILVR, TITAN, ADANIPORTS, HDFCBANK જેવા હેવીવેઇટ શેરોનો સમાવેશ થાય છે.
જ્યારે TATAMOTORS, SUNPHARMA, TECHM, TCS અને ICICIBANK માં થોડો વધારો જોવા મળી રહ્યો છે. વર્ષના છેલ્લા મહિના અને યુએસ ફેડરલ રિઝર્વની જાહેરાત પહેલા રોકાણકારો સાવચેતીભર્યું અભિગમ અપનાવી રહ્યા છે.
મહત્વનું છે કે વૈશ્વિક સ્તરે નબળા વલણ વચ્ચે સોમવારે સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને BSE સેન્સેક્સ 384 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. રૂપિયાના અવમૂલ્યન અને ચીનના નબળા આર્થિક ડેટા વચ્ચે મેટલ અને આઈટી શેરોમાં વેચવાલીના દબાણને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટને ફટકો પડ્યો હતો.
બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 384.55 પોઈન્ટના ઘટાડા સાથે 81,748.57 પોઈન્ટ પર બંધ થયા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 100.05 પોઈન્ટ ઘટીને 24,668.25 પોઈન્ટ પર બંધ થયો હતો. બજારના નિષ્ણાતોના મતે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ આ સપ્તાહે પોલિસી રેટ અંગે નિર્ણય કરશે. આને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું જેના કારણે વૈશ્વિક બજાર નરમ રહ્યું હતું.
રૂપિયો પ્રતિ ડોલર 84.92ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો છે
વિદેશી મૂડીના પ્રવાહ અને સ્થાનિક શેરબજારોમાં નરમાઈ વચ્ચે મંગળવારે શરૂઆતના વેપારમાં રૂપિયો એક પૈસા ઘટીને 84.92 પ્રતિ ડોલરના તેના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે આયાતકારો અને વિદેશી બેન્કોની ડોલરની માંગને કારણે રૂપિયો દબાણ હેઠળ રહેવાની શક્યતા છે.
ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 84.89 પર ખુલ્યો હતો. શરૂઆતના સોદા બાદ તે 84.92 પ્રતિ ડૉલરના સ્તરે ઘટીને તેના પાછલા બંધ કરતાં એક પૈસાનો ઘટાડો દર્શાવે છે. સોમવારે રૂપિયો 11 પૈસા ઘટીને 84.91 પ્રતિ ડોલરની સર્વકાલીન નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
આ પણ વાંચો :- કેનેડામાં નાયબ PMના રાજીનામાં બાદ જસ્ટિન ટ્રુડોને વધુ એક ઝટકો લાગશે! જાણો શું?