થરાદના નાનમેસરા ગામની માતાએ દીકરાને કિડનીનું દાન કરી બીજો જન્મ આપ્યો
બનાસકાંઠાઃ જિલ્લાના થરાદ તાલુકાના નાનામેસરા ગામના વતની અશોકભાઈ કાળુરામજી દવેને 2016માં બ્લડપ્રેસર વધવાથી કિડની ડેમેજ થઈ ગઈ હતી. ત્યારબાદ તેમને અનેક કિડની હોસ્પિટલમાં સારવાર લીધી. અનેક આયુર્વેદિક સારવાર લીધા બાદ પણ પરિણામ ન મળ્યું અને છેલ્લા દોઢ વર્ષથી ડાયાલિસિસ ચાલુ થયું. તેમને અઠવાડિયામાં બે વાર ડાયાલિસિસ કરવામાં આવતું હતું. આ દર્દ અને ડાયાલિસિસ દર્દી માનસિક અને શારીરિક રીતે કંટાળી ગયા હતા પણ પરિવારનો સાથ લાગણીઓ હૂંફ મળતી હોવાથી દર્દીનું મનોબળ મજબૂત બનતું હતું.
ડોક્ટરે કહ્યું – કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડશે
જ્યારે પરિવારે કિડની ટ્રાન્સપ્લાન્ટની ચર્ચા કરી ત્યારે સૌપ્રથમ અશોકભાઈના માતા સરસ્વતીબેન દવેએ કહ્યું કે, ‘બીજા કોઈની નહિ મારી કિડની આપો, મારો દીકરો છે. મારે કિડની આપવી છે.’ ત્યારબાદ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ હાથ ધરવામાં આવી. તમામ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યાં તો તેમાં પણ કિડની મેચ થઈ હતી.
સોમવારે ઓપરેશન કરવામાં આવ્યું
આખરે ગુજરાત સરકારની મંજૂરી મળતા 8 ઓગસ્ટે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું અને તે સફળ થતા જ અશોકભાઈને નવજીવન મળ્યું. આમ, એક માતાએ પુત્રને કિડનીનું દાન કરી બીજો જન્મ આપ્યો.