ટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

હાય રે ફુટ્યા નસીબ! કેન વિલિયમસન સ્ટમ્પને લાત મારીને પેવેલિયન પાછો ફર્યો, જૂઓ વીડિયો

  • કેન વિલિયમસને 87 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 44 રનની ઇનિંગ રમી હતી

HD ન્યૂઝ ડેસ્ક, 14 ડિસેમ્બર: ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે હેમિલ્ટનના મેદાન પર ત્રીજી અને છેલ્લી ટેસ્ટ રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસને આજે શનિવારે મેચના પહેલા દિવસે શાનદાર બેટિંગ કરી હતી પરંતુ તે ફિફ્ટીથી ચૂકી ગયો હતો. તેણે 87 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 44 રનની ઇનિંગ રમી હતી. વિલિયમસનને મેથ્યુ પોટ્સ દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો, પરંતુ વિલિયમસન જે રીતે આઉટ કરવામાં આવ્યો તે વિચિત્ર હતું. જેને જોઈને ક્રિકેટ ચાહકો દંગ રહી ગયા હતા. આઉટ થવાને કારણે વિલિયમસન મેદાન પર ભાવુક થઈ ગયો હતો. તે અત્યંત પસ્તાવો અનુભવતો જોવા મળ્યો હતો. જેની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

જૂઓ વીડિયો

 

આવી રીતે કોણ આઉટ થાય છે, ભાઈ: યુઝર

હકીકતમાં, વિલિયમસને 59મી ઓવરનો છેલ્લો બોલ હળવા હાથે રમ્યો હતો, પરંતુ બોલ ડોજ થઈ ગયો અને સ્ટમ્પની નજીક જતો રહ્યો. જેના લીધે વિલિયમસન પણ ઝડપથી વળ્યો અને પોતાના પગ વડે બોલને રોકવાનો પ્રયાસ કરવા લાગ્યો. અનુભવી બેટ્સમેને બોલને રોકવાના પ્રયાસમાં અજાણતા બોલને સ્ટમ્પ પર ફટકારી દીધો. આ પછી, વિલિયમસન ખૂબ જ દુઃખી થઈ ગયો. તેને મેદાન પર જ પોતાની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો. તે થોડીવાર સ્ટમ્પ પાસે ઉભો રહ્યો અને અફસોસ કરવા લાગ્યો. વિલિયમસન સામાન્ય રીતે આઉટ થયા બાદ મેદાન પર નિરાશા વ્યક્ત કરતો નથી. એક યુઝરે કમેન્ટ કરી કે, “આવી રીતે કોણ આઉટ થાય છે, ભાઈ?” બીજાએ કહ્યું કે, “વિલિયમસનને કોઈ આઉટ કરી શકતું ન હતું, તેથી પોતે આઉટ થઈ ગયો” કેટલાક લોકોએ તેને કમનસીબ કહ્યો.

ન્યૂઝીલેન્ડે પ્રથમ દિવસે 82 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 315 રન બનાવ્યા હતા. કેપ્ટન ટોમ લેથમે 135 બોલમાં 63 રન બનાવ્યા હતા. તેણે વિલ યંગ સાથે પ્રથમ વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી. યંગે 42 રન બનાવ્યા હતા. કેપ્ટને બીજી વિકેટ માટે વિલિયમ્સન સાથે 37 રન જોડ્યા હતા. ટોમ બ્લંડેલ (21), રચિન રવિન્દ્ર (18) અને ડેરીલ મિશેલ (14) મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. ટિમ સાઉથીએ 23 રનનું યોગદાન આપ્યું હતું. પોટ્સ અને ગુસ એટકિન્સને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જ્યારે બ્રેડન કારસે બે વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ જાળવી રાખી હતી.

Back to top button