દ્વારકાના કલ્યાણપુર દરિયાકિનારેથી બે કિલો બિનવારસી ચરસ મળ્યું, પોલીસે તપાસ હાથ ધરી
દેવભૂમિ દ્વારકાઃ કલ્યાણપુરના દરિયાકાંઠેથી બે કિલો બિનવારસી ચરસનો જથ્થો ઝડપાતા ચકચાર જાગી છે. ચેકિંગમાં શંકાસ્પદ પેકેટ ચરસના હોવાનું ખૂલતા પોલીસ ચોંકી ઉઠી હતી. ડ્રગ્સ માટે કુખ્યાત દ્વારકા જિલ્લામાં ફરી એક વખત ચરસ પકડાતા ખળભળાટ મચી ગયો છે.
પોલીસ દ્વારા ચેક કરાતા ચરસ હોવાનું માલુમ પડ્યું
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગામના દરિયાકાંઠે પોલીસ પેટ્રોલિંગમાં દરમિયાન શંકાસ્પદ વસ્તુ નજરે પડતાં જ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પેકેટમાં ચરસ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે દ્વારકા સીપીઆઇ, પીઆઈ આર.બી સોલંકી તથા કલ્યાણપુર પોલીસના પીએસઆઇ ગગનીયા દ્વારા ઘટનાસ્થળે પહોંચી બે કિલો જેટલો ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો.
દ્વારકાનો દરિયો હંમેશા સંવેદનશીલ રહ્યો છે
આ બિનવારસુ ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો છે, કોણ લઈ આવ્યું છે અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તેની શોધખોળ પોલીસે હાથ ધરી છે. આ કયા પ્રકારનું ચરસ છે, તેની પણ તપાસ હાથ ધરી છે. દ્વારકાનો દરિયો હંમેશા સંવેદનશીલ રહ્યો છે. પેટ્રોલિંગના કારણોસર માફિયાઓને ગંધ આવી જતા બે કિલો જેટલો ચરસનો જથ્થો દરિયાકિનારે બિનવારસુ મૂકી તેઓ પલાયન થઈ ગયા છે. ચરસના મૂળ સુધી પહોંચી આરોપીઓને દબોચી લેવામાં આવશે તેમ દ્રારકાના એસપી નિતેશ પાંડેયે જણાવ્યું હતું.