ઘોર કળિયુગઃ માતાએ પુત્રને સ્કૂલે જવા ઉઠાડતાં કરી નાંખી હત્યા ને પછી…
ગોરખપુર, તા. 13 ડિસેમ્બર, 2024: ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ચોંકાવનારી ઘટના બની છે. એક માતા તેના 11માં ધોરણમાં ભણતા દીકરાને સ્કૂલે જવા માટે જગાડવા તેના બેડરૂમમાં ગઈ ત્યારે પુત્રએ હત્યા કરી હતી. હત્યા બાદ 5 દિવસ તે માતાની લાશ સાથે રહ્યો હતો.
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં 3 ડિસેમ્બરના રોજ આરતી દેવી વર્માએ તેના 17 વર્ષના પુત્ર અમનને શાળાએ જવા માટે ઉઠવા કહ્યું હતું. પણ તેણે સ્કૂલમાં જવું નહોતું. ઉઠવાનું કહેવામાં આવતા તેને ગુસ્સો આવ્યો અને તેણે તેની માતાને ધક્કો માર્યો હતો. જેના કારણે આરતી દેવીનું માથું દીવાલ સાથે અથડાયું હતું. ગંભીર ઈજા થવાથી તેનું મોત થયું હતું.
5 દિવસ માતાના મૃતદેહ સાથે રહ્યો
માતાની હત્યા કર્યા બાદ અમને સીસીટીવીનો વાયર કાપી નાંખ્યા હતા. તેણે ઘરને બહારથી તાળું મારી દીધું અને ચાર દિવસ સુધી ઘરની અંદર મૃતદેહ સાથે રહ્યો. જ્યારે આરતી દેવીનું શરીર સડવા લાગ્યું અને દુર્ગંધ આવવા લાગી, ત્યારે તેણે અગરબત્તીઓ પ્રગટાવવાનું શરૂ કર્યું. પાંચમા દિવસે અમન ઘરની બહાર નીકળ્યો અને નજીકના મંદિરમાં બેઠો.
પતિએ સાળીને ફોન કરી ઘરે તપાસ કરવા જવાનું કહેતા મામલો સામે આવ્યો
તેમની સાથે વાત ન કરી શકવાને કારણે ચિંતિત આરતી દેવીના પતિએ તેની સાળીને ફોન કર્યો અને તેને તેના પરિવાર વિશે જાણવાનું કહ્યું. આરતી દેવીની બહેન જ્યારે ઘરે પહોંચી ત્યારે ઘરમાંથી દુર્ગંધ આવતી હતી. જે બાદ તેણે તરત જ જીજાને જાણ કરી હતી. પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસને પણ ગોળ ગોળ ફેરવી
શરૂઆતમાં અમને પોલીસને જણાવ્યું હતું કે તેની માતાનું મૃત્યુ પડી જવાથી થયું હતું. તે ગભરાઈ ગયો અને ઘરમાંથી ભાગી ગયો અને ચાર દિવસ સુધી ભટકતો રહ્યો. જોકે, પ્રશ્નો ઊભા થયા હતા. પોલીસને બે અલગ અલગ જગ્યાએ લોહીના ડાઘા જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે મૃતદેહને ખેંચીને લઈ જવાયો હતો. તેઓએ છોકરાના ઓરડામાંથી પૈસા પણ જપ્ત કર્યા હતા.
સીસીટીવી ફૂટેજમાં પણ કોઈ બહારના વ્યક્તિ ઘરમાં પ્રવેશ્યા ન હતા, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે છોકરાના રૂમની તલાશી દરમિયાન 500,200 અને 100 રૂપિયાની નોટો મળી આવી હતી.
પોલીસ અધિક્ષક જીતેન્દ્ર કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. બે કલાકની પૂછપરછ પછી કિશોરે સ્વીકાર્યું કે તેણે દલીલ દરમિયાન તેની માતાને ધક્કો માર્યો હતો, જેના કારણે માથામાં જીવલેણ ઈજાઓ થઈ હતી. છોકરાએ કબૂલાત કરી હતી કે 3 ડિસેમ્બરની સવારે તેની માતાએ તેને શાળાએ જવાનું કહ્યું હતું. જ્યારે તેણે ના પાડી ત્યારે પૈસાને લઈને તેમની વચ્ચે દલીલ થઈ અને ગુસ્સામાં તેની માતાએ તેના પર પૈસા ફેંક્યા. જે બાદ ગુસ્સામાં આવીને તેણે તેની માતાને ધક્કો માર્યો હતો, જેના કારણે તેના માથામાં જીવલેણ ઈજાઓ થઈ હતી.પોલીસે કહ્યું, છોકરાની ધરપકડ કરવામાં આવી છે.
કોચિંગના નામે માતા પાસેથી પડાવતો હતો પૈસા
પડોશીઓના જણાવ્યા અનુસાર, અમન ડ્રગ્સનો બંધાણી છે. તે કોચિંગના નામે તેની માતા પાસેથી પૈસા લેતો હતો, પરંતુ તે દારૂ અને ડ્રગ્સ પર ખર્ચ કરતો હતો. શાળામાં પણ અમન વિરુદ્ધ ફરિયાદો થઈ હતી. અમન સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને તેને સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ તમિલનાડુમાં પણ ઝાંસી અગ્નિકાંડ જેવી દુર્ઘટના, 6 લોકોના મૃત્યુ