અમદાવાદ રેલવે સ્ટેશનથી બનાવટી રેલવે ટિકિટનું વેચાણ કરતો ગઠિયો ઝડપાયો
- વોટ્સએપ પર ઇ-ટિકિટ આપીને છેતરપિંડી આચરતો
- આરોપીએ અનેક પેસેન્જર સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી કરી
- ઓળખ પત્ર લઇને ૬૬૦૦ રૂપિયામાં ઇ-ટિકિટ વોટ્સએપમાં મોકલી
અમદાવાદ રેલવે પોલીસે આઇઆરસીટીસીના એજન્ટ તરીકે ઓળખ આપીને બનાવટી રેલવે ટિકિટનું વેચાણ કરતા ગઠિયાને એક પેસેન્જરની જાગૃતતાથી ઝડપી લેવામાં આવ્યો હતો.
વોટ્સએપ પર ઇ-ટિકિટ આપીને છેતરપિંડી આચરતો
મોબાઇલમાં ટિકિટને એડીટ કરીને વોટ્સએપ પર ઇ-ટિકિટ આપીને છેતરપિંડી આચરતો હતો. પ્રાથમિક તપાસમાં આરોપીએ અનેક પેસેન્જર સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી આચરી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. ગાંધીધામ લીલાસા સર્કલ પાસે રહેતા રંગાજી નાયડુ ગત ૭મી ડિસેમ્બરના રોજ અમદાવાદ રેલવે સ્ટેશન પર ગોવાહાટીની ટિકિટ બુક કરાવવા માટે લાઇનમાં ઉભા હતા.
ઓળખ પત્ર લઇને ૬૬૦૦ રૂપિયામાં ઇ-ટિકિટ વોટ્સએપમાં મોકલી
ત્યારે એક વ્યક્તિ તેમની પાસે આવ્યો હતો.તેણે કહ્યું હતું તે આઇઆરસીટીસીનો એજન્ટ છું અને રેલવેમાં નોકરી કરૂ છું. હું આપને કન્ફર્મ ટિકિટ કરી આપીશ. જેથી વિશ્વાસ કરીને રંગાજીએ હા પાડતા એજન્ટે તેના મોબાઇલ ફોનમાં એક એપ્લીકેશન ખોલી હતી અને તેણે ઓળખ પત્ર લઇને ૬૬૦૦ રૂપિયામાં ઇ-ટિકિટ વોટ્સએપમાં મોકલી આપી હતી. જો કે તેમાં લખેલો પીએનઆર નંબર મેચ ન થતા રંગાજીને તેણે જણાવ્યું હતું કે અમે રેલવેના ખાસ એજન્ટ છીએ અને અમે ખાસ ક્વોટામાં ટિકિટ આપીએ છીએ. થોડીવાર પછી ઓનલાઇન દેખાઇ જશે. ત્યારબાદ તે ત્યાંથી ચાલ્યો ગયો હતો.
આરોપીએ છેતરપિંડીની અલગ જ મોડ્સ ઓપરેન્ડી અપનાવી
પરંતુ, રંગાજી નાયડુને શંકા જતા રેલવે પોલીસની ઓફિસમાં આ બાબતે તપાસ ટિકિટ બનાવટી હતી. જેથી સીસીટીવી ફુટેજ તપાસીને બનાવટી ટિકિટ આપનારની માહિતી મેળવીને પોલીસે તપાસ શરૂ કરી હતી. જેના આધારે તેને ઝડપીને પુછપરછ કરતા તેનું નામ ઉપેન્દ્ર દ્વિવેદી (ઉ.વ.૩૦) (રહે.રીવા, મધ્યપ્રદેશ) હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીએ છેતરપિંડીની અલગ જ મોડ્સ ઓપરેન્ડી અપનાવી હતી. જેમાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.
આ પણ વાંચો: ગુજરાતના નલિયામાં સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં જાણો ઠંડીની આગાહી