ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈમાં BEST ની બેકાબૂ બસે 30ને કચડ્યાં, 4નાં મૃત્યુ, જૂઓ વીડિયો

મુંબઈ, તા.10 ડિસેમ્બર, 2024: માયનગરી મુંબઈમાં સોમવારે રાત્રે કુર્લા વેસ્ટમાં એસ. જી. બર્વે રોડ પર મોટો અકસ્માત થયો હતો. બેસ્ટ બસે પાંચ-છ ઓટોરિક્ષા, 10 બાઇકો અને 10 પદયાત્રીઓને ટક્કર મારી હતી. આ ઘટનામાં ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોના મૃત્યુ થયા હતા અને 30 ઘાયલ થયા હતા.ઈજાગ્રસ્ત પૈકી કેટલાકની હાલત ગંભીર છે. પોલીસે મૃતકોની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરી છે. ડ્રાઈવર સંજય મોરે (ઉ.વ.43)એ બ્રેક ફેલ થવાને કારણે થયો હોવાનો દાવો કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે બસને જપ્ત કરી લીધી છે અને આરટીઓ નિષ્ણાતો અને બેસ્ટ ઇજનેરોને વાહનની તપાસ માટે બોલાવવામાં આવશે. અકસ્માતમાં સામેલ વાહન ઇલેક્ટ્રિક એસી વેટ લીઝ બસ હતી અને ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા ચલાવવામાં આવતી હતી. આરએએફ અને ક્યૂઆરટી બેસ્ટ બસનો અકસ્માત એટલો ભયાનક હતો કે લોકો ચોંકી ગયા હતા. કેટલાક સ્થાનિકોએ જણાવ્યું હતું કે દુર્ઘટનાની અસર આતંકવાદી હુમલા જેવી લાગતી હતી. ચારેબાજુ ભયનો માહોલ હતો. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેના કારણે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ક્યુઆરટી અને રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) ને તૈનાત કરવી પડી હતી.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે કુર્લા અને અંધેરી રેલવે સ્ટેશન વચ્ચે દોડતી રૂટ નંબર 332ની બેસ્ટ બસ સંપૂર્ણ રીતે ભરેલી હતી. બસે પહેલા એક ઓટોરિક્ષાને ટક્કર મારી હતી અને પછી આંબેડકર કોલોનીના દ્વાર પર એક પછી એક વાહનોને ટક્કર મારીને રોકાઈ હતી. બસે ઘણા રાહદારીઓ અને ફેરીવાળાઓને અડફેટે લીધા હતા. લોકો સમજી ન શક્યા કે શું થઈ રહ્યું છે. તે એક આતંકવાદી હુમલા જેવું હતું. ગુસ્સે ભરાયેલા ટોળાએ બસનો પીછો કર્યો અને ડ્રાઈવરને પકડીને પોલીસ પહોંચે ત્યાં સુધી તેને માર માર્યો હતો.

અન્ય એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, જ્યારે હું રેલવે સ્ટેશન જવા માટે મારા ઘરેથી નીકળી રહ્યો હતો, ત્યારે મેં મોટો અવાજ સાંભળ્યો અને જોયું કે બેસ્ટ બસના ડ્રાઈવરે ઘણા પદયાત્રીઓ, રિક્ષાઓ અને કારને ટક્કર મારી હતી. મેં રિક્ષામાં ફસાયેલા કેટલાક ઇજાગ્રસ્તોને બચાવ્યા હતા. અમે તેમને બીજી રિક્ષામાં હોસ્પિટલમાં મોકલ્યા હતા.

આ પણ વાંચોઃ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દ્વારા ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે દારૂ, માફિયાઓના પ્લાનનો થયો પર્દાફાશ

Back to top button