ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘આખી દુનિયા બેલેટ પેપરનો ઉપયોગ કરી રહી છે, તો આપણે કેમ નહીં?’ શરદ પવારે ઉઠાવ્યા પ્રશ્નો

  • ભાજપે શરદ પવારની આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી અને તેમને હાર સ્વીકારવાની સલાહ આપી

મુંબઈ, 8 ડિસેમ્બર: EVM પર ચાલી રહેલા વિવાદ વચ્ચે NCPના સંસ્થાપક શરદ પવાર મહારાષ્ટ્રના સોલાપુરના મર્કરવાડી પહોંચ્યા હતા. શરદ પવારે મર્કરવાડીની મુલાકાત વખતે EVM પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને બેલેટ પેપરની માંગના સમર્થનમાં બોલ્યા હતા. તેમણે કહ્યું કે, ‘જો આખી દુનિયા બેલેટ પેપરથી વોટિંગ કરી રહી છે તો આપણે કેમ EVMથી મતદાન કરી રહ્યા છીએ.’ ભાજપે શરદ પવારની આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી અને તેમને હાર સ્વીકારવાની સલાહ આપી.

 

મર્કરવાડી એ જ ગામ છે જ્યાં EVM મતો સામે મોક-પોલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો બેલેટ દ્વારા મતદાન કરવા માંગતા હતા. આ સાથે, તેઓ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે, NCP (SP) ઉમેદવારને EVMમાં મળેલા મત કરતાં વધુ મત મળે, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા અને જેમણે તેમ કર્યું તેમની સામે કેસ નોંધવામાં આવ્યા.

વિશ્વના મોટા દેશોમાં બેલેટ પેપર દ્વારા મતદાન થાય છે: શરદ પવાર

શરદ પવારે મર્કરવાડીમાં કહ્યું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી હું જોઈ રહ્યો છું કે સંસદમાં મર્કરવાડી પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેઓ કહી રહ્યા છે કે દેશમાં કોઈને તેની ખબર ન પડી, પરંતુ મર્કરવાડીના લોકોને ખબર પડી. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં વિવાદો થાય છે પણ આટલા નહીં. શરદ પવારે અમેરિકા અને બ્રિટનનું ઉદાહરણ આપતા કહ્યું કે, વિશ્વના મોટા દેશોમાં બેલેટ પેપર દ્વારા મતદાન થાય છે.

‘સમગ્ર વિશ્વ બેલેટ દ્વારા મતદાન કરી રહ્યું છે, પરંતુ…’

NCPના સ્થાપકે વધુમાં કહ્યું કે, આખી દુનિયા બેલેટ પેપર દ્વારા મતદાન કરી રહી છે, પરંતુ આપણે શા માટે EVMનો ઉપયોગ કરી રહ્યા છીએ.  આ મતદાન પછી તમને (માર્કરવાડીના લોકોને) શંકા ગઈ અને ગામમાં ફરી મતદાન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તેને કેમ બંધ કરી દીધો. હું EVM પર ભાષણ આપી રહ્યો છું અને મને રોકી દેવામાં આવ્યો, આ કેવા પ્રકારની વાત છે? મને કંઈ સમજાયું નહીં.”

‘અમે તો એવું નથી કહ્યું કે EVMમાં ​​સમસ્યા છે!’

ડેપ્યુટી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ EVM વિવાદ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, “જ્યારે લોકસભાની ચૂંટણીમાં અમારી સીટો ઓછી થઈ ત્યારે અમે કહ્યું નહોતું કે ઈવીએમમાં ​​સમસ્યા છે. આ લોકોએ ઈવીએમનો મુદ્દો છોડી દેવો જોઈએ. ચૂંટણી હાર્યા પછી આ પ્રકારની વાત ન કરવી જોઈએ. આનાથી લોકોનો વિશ્વાસ ઘટે છે. વિપક્ષે તેનું સ્વાગત કરવું જોઈએ.”

શરદ પવારે હાર સ્વીકારવી જોઈએ: ભાજપ

 

શરદ પવારના નિવેદન પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખ બાવનકુલેએ કહ્યું કે, શરદ પવારે પોતાની હાર સ્વીકારવી જોઈએ. તેમનું અભિયાન નિષ્ફળ ગયું છે. લોકોએ તેમને નકારી કાઢ્યા છે. તેઓ લોકસભા ચૂંટણી જીત્યા અને અમે તેને સ્વીકારી લીધું. તેઓ આગામી ચૂંટણી માટે આ કરી રહ્યા છે. તેઓ સ્થાનિક ચૂંટણીમાં પણ હારી જશે.

Back to top button