ભારતની ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં શરમજનક હાર, જાણો હારના શું રહ્યા મુખ્ય કારણો
- બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ 10 વિકેટે હારી ગઈ
એડિલેડ, 8 ડિસેમ્બર: ભારતીય ટીમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. પર્થમાં શાનદાર પ્રદર્શન કરનારી ટીમ ઈન્ડિયા એડિલેડમાં ઢેર થઈ ગઈ હતી. આ ટેસ્ટ મેચ પિંક બોલથી રમાઈ હતી. ભારતીય બેટ્સમેનો પિંક બોલ સામે લાચાર દેખાયા હતા. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચોની શ્રેણીમાં 1-1થી બરાબરી લીધી છે.
આ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ પર્થમાં રમાઈ હતી, જેમાં ભારતે 295 રનથી જીત મેળવી હતી. પર્થમાં બોલરોની સાથે બેટ્સમેનોએ પણ જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીએ સદી ફટકારી હતી જ્યારે જસપ્રિત બુમરાહે 8 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં, બીજી ટેસ્ટમાં હારનો સામનો કરવા પાછળનું કારણ શું છે? તે પ્રશ્ન ઉઠાવો સ્વાભાવિક બાબત છે.
ભારતની હારના શું રહ્યા મોટા કારણો?
- આ ટેસ્ટમાં નિયમિત કેપ્ટન રોહિત શર્માની વાપસી થઈ ગઈ, પરંતુ રોહિતે મિડલ ઓર્ડરમાં રમવાનો નિર્ણય કર્યો. રોહિત સંપૂર્ણ ફ્લોપ રહ્યો. તે પ્રથમ દાવમાં 6 રન અને બીજી ઈનિંગમાં 3 રન બનાવી શક્યો. જો રોહિત ઓપનિંગ કરવા આવ્યો હોત અને મિચેલ સ્ટાર્ક-પેટ કમિન્સ જેવા બોલરો સામે આક્રમક બેટિંગ કરી હોત તો મેચનું પરિણામ અલગ આવી શક્યું હોત.
- આ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ભારતીય બેટ્સમેનોએ રન બનાવવાનો પ્રયાસ જ કર્યો નહોતો. જો આપણે ઓસ્ટ્રેલિયા અને ભારતના બેટ્સમેનોની તુલના કરીએ તો તફાવત સરળતાથી દેખાશે. ટ્રેવિસ હેડે ઝડપથી રન બનાવી સદી ફટકારી હતી. આ સાથે જ ભારતીય બેટ્સમેનો થોડા વધુ ડિફેન્સિવ દેખાયા હતા. નીતિશ કુમાર રેડ્ડી મુક્તપણે રમ્યો અને બંને દાવમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. જ્યારે અન્ય કોઈ ભારતીય બેટ્સમેને તેમના જેવો અભિગમ દાખવ્યો નહીં.
- આ ટેસ્ટમાં ભારતીય બોલરો પણ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા ન હતા. બોલરો તેમની વ્યૂહરચના મુજબ બોલિંગ કરી શક્યા ન હતા તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. એક તરફ, ઓસ્ટ્રેલિયન બોલરોએ મોટાભાગે ભારતીય બેટ્સમેનોને બોલ ખાલી કઢાવવાનો પ્રયાસ કર્યો હતો, તો બીજી તરફ, ભારતીય બોલરો મોટે ભાગે આઉટર લાઇન પર બોલિંગ કરતા જોવા મળ્યા હતા. પર્થમાં બોલરોની યોજના તદ્દન અલગ હતી, પરંતુ એડિલેડમાં તેઓ બિનઅસરકારક દેખાયા હતા.
આ પણ જૂઓ: એડીલેડ ટેસ્ટ : સિરાજને આ ભૂલ ભારે પડવાની શક્યતા, ICC આપી શકે છે કડક સજા