અમદાવાદટ્રેન્ડિંગ

કેવો હશે આ વખતનો કાંકરિયા કાર્નિવલ? જાણો વિગતે

અમદાવાદ, 7 ડિસેમ્બર 2024 :  ઉત્સવ પ્રેમી અમદાવાદીઓ માટે વર્ષ ૨૦૦૮થી વાયબ્રન્ટ ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન અને તેમના પ્રેરક માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિકાસ થયેલ કાંકરિયા તળાવ ખાતે નગરજનોના મનોરંજન માટે કાંકરિયા કાર્નિવલનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15માં કાંકરિયા કાર્નિવલ ૨૦૨૪નું આયોજન તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ દરમ્યાન કરવામાં આવેલ છે. કાંકરીયા કાર્નિવલ ૨૦૨૪ દરમ્યાન મુલાકાતીઓને કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવશે.

કાંકરિયા કાર્નિવલ દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે રંગારંગ સાંસ્કૃતિક તેમજ મનોરંજનના કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે. તે મુજબ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલ ૨૦૨૪ દરમ્યાન સાતેય દિવસ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

૧૫માં કાંકરિયા કાર્નિવલ ૨૦૨૪ પ્રથમ દિવસે મ્યુનિસિપલ સ્કુલ અને આંગણવાડીમાં અભ્યાસ કરતા ૧૦૦૦ જેટલા બાળકો દ્વારા સામૂહિક રીતે એક સાથે કેન્ડી/ચોકલેટ ખોલીને અને તેને સંપૂર્ણ ખાઈને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. તદ્ઉપરાંત, થીમ બેઝ કાર્નિવલ પરેડ તેમજ વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારીત કાર્નિવલ હંગામા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, લેસર શૉ અને ડ્રોન શૉનું આયોજન કરવામાં આવેલ છે.

તદ્ઉપરાંત, કાંકરીયા કાર્નિવલ ૨૦૨૪ દરમ્યાન નગરજનોના મનોરંજન માટે સાતેય દિવસો દરમ્યાન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો અંતર્ગત જાણીતા કલાકારો જેમ કે, સાંઈરામ દવે, ગીતાબેન રબારી, કિંજલ દવે, રાગ મહેતા, ઈશાની દવે, કૈરાવી બુચ, પ્રિયંકા બાસુ, અપેક્ષા પંડ્યા, દેવિકા રબારી દ્વારા ગીત સંગીત તેમજ લોક ડાયરાના કાર્યક્રમો રજુ કરવામાં આવશે.

કાર્નિવલ દરમ્યાન મનન દેસાઈ, દિપ વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી, અમીત ખુવા, સુરજ બરાલીયા દ્વારા સ્ટેન્ડ અપ કોમેડી શૉ, અતુલ બ્રહ્મભટ્ટ દ્વારા ગઝલ કાર્યક્રમ, મેઘધનુષ, સરફીરે, એહસાસ બેન્ડ જેવા જાણીતા રોક બેન્ડ્સ દ્વારા રોક બેન્ડ પર્ફોર્મન્સ રજુ કરવામાં આવશે. તેમજ ડી. જે. કીયારા સાથે શહેરીજનો ડી. જે. નાઈટની મજા માણી શકશે.

કાંકરિયા કાર્નિવલ ૨૦૨૪ દરમ્યાન –

• લોક ડાયરો, બોલીવુડ ફ્યુઝન, પોલીસ બેન્ડ, તલવાર રાસ, ટીપ્પણી ડાન્સ, જલ તરંગ અને વાયોલીન તથા સંતુર વાદન, ફોક ડાન્સ, દેશભક્તિના ગીતો, નૃત્ય નાટીકા, સુફી ગઝલ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.

• જુદા જુદા કલ્ચરલ ગ્રુપ દ્વારા માર્શલ આર્ટ અને સેલ્ફ ડિફેન્સ, સ્ટેન્ડ અપ કોમેડી કોમ્પીટીશન, ડ્રમ સર્કલ, બ્લેક કમાન્ડો પીરામીડ શૉ, સીંગીંગ અને ઈન્સ્ટ્રુમેન્ટલ કોમ્પીટીશન, માઈમ અને નુક્કડ નાટક, મલખમ શૉ, ભારતીય ક્લાસિકલ ડાન્સ, લાઈફ સાઈઝ પપેટ શૉ, પેટ ફેશન શૉ, સ્વચ્છ ભારત-શ્રેષ્ઠ ભારત સ્કીટ, કવિતા પઠન, ગીત સંગીત અને ડાન્સ કોમ્પીટીશન જેવા કાર્યક્રમો તેમજ બાળકોના મનોરંજન માટે મેજીક શૉ તેમજ અન્ડર વોટર ડાન્સ પર્ફોર્મન્સ, હ્યુમન પાયરો શૉ, સાયકલ સ્ટન્ટ જેવા વિવિધ રંગારંગ કાર્યોક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

• ઉપરાંત, નેલ આર્ટ, ટેટુ મેકીંગ, જગલર, મહેંદી આર્ટ, ગેમીંગ ઈવેન્ટ, લાઈવ કરાઓકે, મ્યુઝિકલ ફાઉન્ટેન, કિડ્ઝ ડાન્સ, લાફીંગ ક્લબ, ડ્રોઈંગ કોમ્પીટીશન, ફીટનેશ ડાન્સ, વેલનેશ ટોક, સ્ટ્રેસ મેનેજમેન્ટ, મોટીવેશનલ ટોક, સાલસા ડાન્સ, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટસ, માટીકલા, જ્વેલરી મેકીંગ, સોશ્યિલ મિડીયા, ફોટોગ્રાફી તથા ગાર્ડનીંગ જેવી પ્રવૃત્તિઓ અંગે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.

• નગરજનો દરરોજ સવારના સમયે પ્રાણાયામ, મેડિટેશન, યોગા, એરોબિક્સ, ઝુમ્બાનો લાભ લઈ શકશે.

• કાંકરિયા પરિસરમાં અમદાવાદની સ્વાદપ્રિય જનતા માટે ફુડ કોર્ટ અને ફ્લી માર્કેટ (હેન્ડી ક્રાફ્ટ બજાર) ઉભા કરવામાં આવશે.

• કાંકરિયા કાર્નિવલની મુલાકાતે આવનાર લોકોના આકર્ષણરુપે દરરોજ લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, લેસર શૉ તેમજ વી. આર. શૉનું આયોજન કરવામાં આવેલ છે.

• નગરજનો કાંકરિયા કાર્નિવલ ૨૦૨૪ દરમ્યાન કાંકરિયા પરિસરમાં આવેલ વિવિધ આકર્ષણો જેવા કે, કિડઝ સિટી, પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ ઝુ, બાલવાટિકા, બટરફ્લાય ગાર્ડન, નગીના વાડી, મ્યુઝિકલ ફાઉન્ટેઈન તથા વિવિધ એમ્યુઝમેન્ટ અને રીક્રિએશન એક્ટિવીટીઝ, ફીશ એક્વેરિયમની મજા માણી શકશે.

તદ્ઉપરાંત,

જગલર્સ, સ્ટીલ્ટ વોકર્સ, લાઈવ કેરેક્ટર્સ વિગેરે મુલાકાતીઓનું મનોરંજન કરશે અને ખાસ નાના બાળકો તેઓની સાથે ફોટો પડાવવાની મજા માણી શકશે.

કાર્નિવલ દરમ્યાન સાતેય દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

કાંકરિયા પરિસરમાં જુદા-જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા.

વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર સી.સી.ટી.વી. કેમેરા, કંટ્રોલ રુમ, જરુરી પોલીસ સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ સુસજ્જ રાખવામાં આવેલ છે.

 

આ પણ વાંચો : 12મા ધોરણના વિદ્યાર્થીએ માણસ સાથે ઉડતું ડ્રોન બનાવ્યું, જૂઓ દંગ કરનારો આ વાયરલ વીડિયો

Back to top button