અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ઠંડીમાં ઘટાડો, જાણો ક્યારે પડશે કડકડતી ઠંડી
- અમદાવાદમાં સળંગ ત્રીજી રાતે 19 ડિગ્રીથી વઘુ લઘુત્તમ તાપમાન નોંધાયું
- સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.8 ડિગ્રીનો વધારો થયો
- રાજકોટમાં 16.8 ડિગ્રી, ભુજમાં 17.2 ડિગ્રી, વડોદરામાં 19.2 ડિગ્રી તાપમાન
ડિસેમ્બર છતાં અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હજુ શિયાળો બરાબર જામતો નથી. અમદાવાદમાં 19 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.8 ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં સળંગ ત્રીજી રાતે 19 ડિગ્રીથી વઘુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
આગામી 3 દિવસ તાપમાન ચાર ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થશે
રાજ્યના નલિયામાં 11.5 ડિગ્રી, ડીસામાં 15.9 ડિગ્રી, રાજકોટમાં 16.8 ડિગ્રી, ભુજમાં 17.2 ડિગ્રી, વડોદરામાં 19.2 ડિગ્રી, ગાંધીનગરમાં 19.8 ડિગ્રી, ભાવનગરમાં 20.6 ડિગ્રી, અમરેલીમાં 20.8 ડિગ્રી અને સુરતમાં 23 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થશે.
ધાન્ય સહિત ફળફળાદીમાં જંગી નુકસાનની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતા
ડાંગ જિલ્લાના અમુક ગામડાઓમાં ક્યાંક છાંટણા તો ક્યાંક ઝરમરીયા સ્વરૂપનો વરસાદ પડતાં માર્ગો ભીના થયા હતા. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ અને સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં વાદળો ઘેરાયા હતા. કમોસમી વરસાદના પગલે ડાંગી ખેડૂતોનાં શાકભાજી, ધાન્ય સહિત ફળફળાદીમાં જંગી નુકસાનની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતા છે.