અમદાવાદમાં હર ઘર ત્રિરંગા માટે ઝંડા નહીં પણ ‘શું’ ખૂટી ગયું ?
દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર ત્રિરંગા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં અમદાવાદ મનપા દ્વારા આશરે 22 લાખ જેટલાં ઝંડાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો અન તેની પાછળ આશરે રૂ.5 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની જનરલ બોડીએ તાજેતરમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જોકે આ બધા વચ્ચે શહેરમાં ઝંડા ફરકાવવા માટે જરૂરી વાંસના લાકડાઓની અછતને કારણે AMCને ઓર્ડરનું કદ ઘટાડીને 11 લાખ ઝંડા ફરકાવાની ફરજ પડી છે.
આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર Go First ની ફ્લાઇટને બર્ડ હિટ નડ્યું
આ અંગે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, અમદાવાદ મનપા દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા માટે 3 ફૂટના વાંસના લાકડાનો ઓર્ડર આપ્યો હતો. જે પછી તંત્રને શહેરમાં વાંસના લાકડાઓની અછત હોવાનું સામે આવ્યું છે. જે પછી હવે મનપા માત્ર 11 લાખ રાષ્ટ્રધ્વજની જ ખરીદી કરી શકશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ખરીદેલા ધ્વજમાંથી 6 લાખ ફ્લેગ પોલ્સ તરીકે એલ્યુમિનિયમના સ્પોર્ટનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
AMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે મનપા અત્યાર સુધીમાં લગભગ 4 લાખ વાંસની લાકડીઓ ખરીદી શકી છે અને જેનો ઉપયોગ રાષ્ટ્રધ્વજના ફરકાવવા માટે કરી રહી છે.જ્યારે અન્ય બાકીના 6 લાખ રાષ્ટ્રધ્વજ માટે હવે એલ્યુમિનિયમ પોલનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, શાસક પક્ષ ભાજપ દરેક મતવિસ્તારમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ પણ કરશે. જેના માટે નક્કી કરવામાં આવ્યું હતું કે AMC 11 લાખ રાષ્ટ્રીય ધ્વજ વેચશે, જ્યારે અન્ય 11 લાખ ભાજપ દ્વારા વહેંચવામાં આવશે. જેમાંથી હવે કેટલાંક ધ્વજ પર એલ્યુમિનિયમનો સ્પોર્ટ હશે.