ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

પાલનપુરના ચડોતરમાંથી ડુપ્લીકેટ ઘી અને વેજીટેબલ ફેટનો જથ્થો ઝડપાયો

Text To Speech

પાલનપુર, 5 ડિસેમ્બર : બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા ચડોતરમાંથી અમુલ બ્રાન્ડનો ડુપ્લીકેટ ઘી તેમજ વેજીટેબલ ફેટનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, કમિશનર ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યનાં નાગરિકો ને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટીબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.

દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરને મળેલ ખાનગી બાતમીના આધારે તા: ૦૪-૧૨-૨૦૨૪ નાં રોજ મે.જલારામ એન્ટરપ્રાઇઝ ખાતે કરેલ રેડ દરમિયાન ફૂડ બિઝનેસ ઓપરેટર પ્રકાશભાઇ અમૃતલાલ ગુર્જર ફૂડ લાયસન્સ વગર જ ઘી નાં ઉત્પાદન, સંગ્રહ તથા વેચાણ કરી રહેલ હોય આ સાથે જ વધુમાં એ પણ જાણવા મળેલ છે કે આ શખસ વિરૂધ્ધ અગાઉ પણ પાલનપુર ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી તથા એડ્જ્યુડીકેટીંગ કોર્ટમાં ૧ લાખ ૨૫ હજારનો દંડ પણ ફટકારવામાં આવેલ હતો.

આ પેઢીમાં તપાસ દરમિયાન સ્થળ પર જ પેઢીનાં માલીક દ્વારા બીજી પેઢીના નામવાળા લેબલનો વપરાશ થતો હોવાનું માલુમ પડ્યું તથા આ સાથે જ વધુ તપાસ હાથ ધરતા જણાયું કે પેઢીમાં અમુલ બ્રાન્ડનાં ડુપ્લીકેટ ઘી નું ઉત્પાદન તથા પેકીંગ થઇ રહેલ છે. આથી અમુલ પ્યોર ઘી ૧૫ કીલોગ્રામ પેક તથા ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીટેબલ ફેટ (લૂઝ) આમ કુલ ૦૨ નમુનાઓ લઇ કુલ ૧૪૨ કીલોગ્રામ જથ્થો કે જેની કિંમત કુલ રૂ.૭૪,૬૪૦ થવા જઇ રહેલ છે તે સીઝ કરવામાં આવેલ છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા તથા ડુપ્લીકેટ ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે. આમ, આ તંત્ર ધ્વારા ઇન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટ ના નામે ઘી ની ફ્લેવર નાખી જાહેર જનતાને ઘી તરીકે વેચાણ થતુ અટકાવવામાં સફળ થયેલ છે. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :- … તો તમે સાયબર ઠગ બની જાવ, હું શીખવાડી દઈશ બધું જ, જૂઓ કોને મળી આવી ઓફર

Back to top button