અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર અકસ્માત, 3 વ્યક્તિઓના મૃત્યુ
- બે વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા
- કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કુદી ગઇ
- સુરતના પરિવારને ગોજારો અકસ્માત નડ્યો
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર નડિયાદના બિલોદરા ગામ નજીક કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કુદીને સામેની લેનમાંથી આવતી ટ્રકમાં ઘુસી ગઈ હતી. અકસ્માતમાં કાર ચાલક સહિત કારમાં સવાર મહિલા મળી ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં.
સુરતના પરિવારને ગોજારો અકસ્માત નડ્યો
તેમજ બે વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. રાજસ્થાનથી દીકરાનો લગ્ન પ્રસંગ પુરો કરીને સુરત પરત ફરી રહેલા સુરતના પરિવારને ગોજારો અકસ્માત નડયો હતો. સુરતના વરાછામાં રહેતા પ્રહલાદજી પુરોહિતના દીકરા કપિલના લગ્ન રાજસ્થાન ખાતે હોવાથી તેઓ પોતાના પરિવાર સાથે ગાડી લઈ રાજસ્થાન ગયા હતા. લગ્ન પુરાં કરીને તેઓ રાજસ્થાનથી પરત સુરત જઈ રહ્યાં હતાં. તેઓ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નડિયાદ નજીક બિલોદરા ગામ નજીક ગાડીનું ટાયર ફાટયું હતું.
કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા કારના કાટમાળને હટાવ્યો
ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી ડિવાઈડ કુદીને રોંગ સાઈડની લેનમાં વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રકમાં ઘુસી ગઈ હતી. પરિણામે ગાડીના ફુરચેફુરચા ઉડી ગયા હતા. તેમજ ગાડી ચાલક દલપતભાઈ ચમાનાજી પુરોહીત, તેમના માતા સુભઢીદેવી ચમનાજી પુરોહીત અને દિનેશ પરભારામ પુરોહિતનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે મનિષાબેન દિનેશભાઈ પુરોહિત અને ફુલારામ છોગાજી પ્રજાપતિને ઈજા પહોંચી હતી. ગાડી ટ્રકમાં ઘુસ્યાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. જેથી સ્થળ પર સ્થાનિકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા કારના કાટમાળને હટાવ્યો હતો. ત્રણ લાશને બહાર કાઢી હતી અને બે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડયાં હતાં.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી વચ્ચે માવઠું, જાણો કયા આવ્યો વરસાદ